ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં શનિવાર, 28 સપ્ટેમ્બરે સોમનાથ મંદિર નજીક સરકારી જમીનો પરથી અતિક્રમણ દૂર કરવા માટે હાથ ધરાયેલે મેગા ડિમોલિશન મસ્જિદો અને દરગાહ સહિત નવ ધાર્મિક સ્થળો સહિતની ગેરકાયદે મિલકતો તોડી પાડવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન 135 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.વેરાવળના પ્રભાસપાટણ ખાતે સોમનાથ મંદિરની જગ્યા પર સરકારી જમીન પરના બિનઅધિકૃત બાંધકામો દૂર કરવા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ માટે સેંકડો પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા હતા. વહેલી સવારે શરૂ થયેલી ઝુંબેશ દરમિયાન ધાર્મિક બાંધકામો અને કોંક્રીટના મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં અને રૂ. 60 કરોડની કિંમતની આશરે 15 હેક્ટર સરકારી જમીનને મુક્ત કરાવી હતી.આ કવાયતમાં 52 ટ્રેક્ટર, 58 બુલડોઝર, બે હાઇડ્રા ક્રેન્સ, પાંચ ડમ્પર, બે એમ્બ્યુલન્સ અને ત્રણ અગ્નિશામકોનો ઉપયોગ કરાયો હતો.
વરિષ્ઠ પોલીસ અને જિલ્લા વહીવટી અધિકારીઓની સાથે 788 પોલીસ કર્મચારીઓ અને રાજ્ય અનામત પોલીસ દળ (એસઆરપીએફ) તૈનાત કરાયા હતા. ઓપરેશનના ભાગ રૂપે લગભગ 135 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રહી હતી અને કોઈ અનિચ્છનીય ઘટનાઓ બની ન હતી.