રેસ્ટોરાં, બાર, કેરહોમ અને હોટલમાં રોકાણ સાથે હોસ્પિટાલિટી ક્ષેત્રે વધતી હાજરી માટે જાણીતા મલ્હોત્રા ગ્રૂપ પીએલસીના ચેરમેન, મીનુ મલ્હોત્રા, ડીએલને નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ માટે ભારતના પ્રથમ માનદ કોન્સલ તરીકે નિયુક્ત કરવાની યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ કે. દોરાઇસ્વામીએ તા. 30ના રોજ જાહેરાત કરી હતી.

તેઓ માનદ કોન્સલ તરીકે ફાર્માસ્યુટિકલ્સ અને ગ્રીન એનર્જી જેવા ઉદ્યોગોમાં લિંક્સ બનાવવા, પોતાના ક્ષેત્રના બિઝનેસીસને ભારત સાથે જોડવામાં મદદ કરશે અને યુકે અને ભારત વચ્ચે સાંસ્કૃતિક, રાજકીય અને પ્રવાસન પહેલને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના અનૌપચારિક સમર્થક મલ્હોત્રાએ કહ્યું હતું કે, “બંને દેશોનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બનવું એ ખૂબ જ સન્માનની વાત છે.”

ભારતના કોન્સ્યુલેટ માટેની શિલ્ડ્સ રોડ, ન્યુકાસલ-ઓન ટાઈન ખાતે આવેલી નવી ઓફિસનું નામ બદલીને ‘ઈન્ડિયા હાઉસ’ રાખવામાં આવ્યું છે જેનો શુક્રવારે હાઈ કમિશનર દ્વારા શુભારંભ કરાયો હતો.

છેલ્લા 45 વર્ષોમાં, મલ્હોત્રાએ નોર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડ અને ભારતમાં ભારતીય સમુદાય અને ડાયસ્પોરાને સમર્થન આપ્યું છે. તેમણે બર્મિંગહામમાં કોન્સ્યુલ જનરલ ઑફિસ સાથે એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું છે અને તેઓ નવા સંબ ધને વધુ મજબૂત બનાવવા માટે આતુર છે.

મલ્હોત્રાનો પરિવાર 43 વર્ષ પહેલા ભારતના લુધિયાણાથી ઈંગ્લેન્ડમાં સ્થાયી થયો હતો. ઈસ્ટર્ન આઈ દ્વારા પ્રકાશિત એશિયન રિચ લિસ્ટ 2024માં તેઓ અને તેમનો પરિવાર £150mની અંદાજિત સંપત્તિ સાથે 86મા ક્રમે હતો.

LEAVE A REPLY