હાલમાં ભારતના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ સામેની ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં મોટાભાગના સીનીયર ખેલાડીઓને આરામ અપાયો છે, તો નવોદિત ફાસ્ટ બોલર મયંક યાદવને તક અપાઈ છે, તો સ્પિનર વરૂણ ચક્રવર્તી તથા બેટર અભિષેક શર્માની વાપસી થઈ છે.
સૂર્યકુમાર યાદવના સુકાનીપદે રમનારી ભારતીય ટીમમાં વિકેટકીપિંગની જવાબદારી સંજુ સેમસન તથા જીતેશ શર્માને શિરે રહેશે. આ ત્રણ મેચની સીરીઝ રવિવાર, છઠ્ઠી ઓક્ટોબરથી શરૂ થશે અને શનિવાર, 12 ઓક્ટોબરે તે પુરી થશે. ટીમમાં હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ કરાયો છે.આરામ અપાયેલા સીનીયર ખેલાડીઓમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઋષભ પંત અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.
લખનઉ સુપરજાયન્ટ્સ તરફથી આઈપીએલ રમી રહેલા મયંક યાદવને ભારતીય ટીમમાં પહેલીવાર તક મળી છે. આઈપીએલમાં તેણે 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. 4 મેચમાં 7 વિકેટ લીધા પછી તે ઈજાગ્રસ્ત થયો હતો. સ્વસ્થ થયા બાદ તેને હવે ભારતીય ટીમમાં તક મળી છે.
આ વર્ષે જુલાઈમાં ઝિમ્બાબ્વે સામે T20માં ડેબ્યૂ કરનાર અભિષેક શર્મા પણ ટીમમાં પરત ફર્યો હતો. શ્રીલંકા સામેની T20 ટીમમાં તેનો સમાવેશ કરાયો નહોતો. તેણે ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં સદી ફટકારી હતી.
ઈશાન કિશનને 15 સભ્યોની ટીમમાં તક મળી નથી. હાર્દિક પંડ્યા, રીયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબેનો સમાવેશ કરાયો છે. ફાસ્ટ બોલરોમાં મયંકની સાથે અર્શદીપ સિંહ અને યુવા હર્ષિત રાણાને તક મળી છે. રવિ બિશ્નોઈની પણ ટીમમાં વાપસી થઈ છે.આ ત્રણ મેચ અનુક્રમે ગ્વાલિયર, દિલ્હી અને હૈદરાબાદમાં રમાશે.
ટીમઃ સૂર્યકુમાર યાદવ (સુકાની), હાર્દિક પંડ્યા, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રીંકુ સિંહ, રીયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવ.