ઈંગ્લેન્ડના કેટલાક ભાગોમાં તા. ૧ મે, 2025ને ગુરુવારના રોજ ૨૩ કાઉન્સિલોના કાઉન્સિલરો અને મેયરની ચૂંટણી યોજાનાર છે. લેબરને લેન્ડસ્લાઇડ વિજય મળ્યો તે જુલાઈ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પછી આ પહેલી સ્થાનિક ચૂંટણી છે.
ઇંગ્લેન્ડના કેમ્બ્રિજશાયર અને પીટરબરો, નોર્થ ટેનીસાઇડ, ડોનકાસ્ટર, પ્રથમ વખત – ગ્રેટર લિંકનશાયર અને હલ તથા ઇસ્ટ યોર્કશાયરમાં મેયરની ચૂંટણીઓ થઈ રહી છે.
રનકોર્ન અને હેલ્સબી મતવિસ્તારના મતદારો તા. 1 મેના રોજ તેમના નવા સાંસદની પસંદગી કરશે. ત્યાંના ભૂતપૂર્વ લેબર સાંસદ માઇક એમ્સબરીએ એક મતદાર પર હુમલો કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
જે ૧૪ કાઉન્ટી કાઉન્સિલની ચૂંટણીઓ યોજાનાર છે તેમાં કેમ્બ્રિજશાયર, ડર્બીશાયર, ડેવન, ગ્લોસ્ટરશાયર, હર્ટફર્ડશાયર, કેન્ટ, લેન્કેશાયર, લેસ્ટરશાયર, લિંકનશાયર, નોટિંગહામશાયર, ઓક્સફોર્ડશાયર, સ્ટાફર્ડશાયર, વોરીકશાયર અને વુર્સ્ટરશાયરમાં ચૂંટણીઓ યોજાનાર છે.
આ ઉપરાંત ૮ યુનિટરી ઓથોરીટી ગણાતા બકિંગહામશાયર, કોર્નવોલ, કાઉન્ટી ડરહામ, નોર્થ નોર્થમ્પ્ટનશાયર, નોર્થમ્બરલેન્ડ, શ્રોપશાયર, વેસ્ટ નોર્થમ્પ્ટનશાયર અને વિલ્ટશાયરમાં તથા ૧ મેટ્રોપોલિટન ડિસ્ટ્રીક્ટ ડોનકાસ્ટર ખાતે પણ ચૂંટણીઓ યોજાનાર છે.
આ ઉપરાંત સિલી ટાપુઓમાં કાઉન્સિલની ચૂંટણીઓ થઈ રહી છે.
સ્થાનિક સરકારમાં વ્યાપક ફેરફારના ભાગ રૂપે ઇસ્ટ સસેક્સ, વેસ્ટ સસેક્સ, એસેક્સ, થર્રોક, હેમ્પશાયર, આઇલ ઓફ વાઈટ, નોર્ફોક, સફોક અને સરેમાં ચૂંટણીઓ 2026 સુધી મુલત્વી રાખવામાં આવી છે.
વેલ્સ, સ્કોટલેન્ડ અને નોધર્ન આયર્લેન્ડમાં કોઈ નિયમિત ચૂંટણીઓ થઈ રહી નથી.
