ભારતીય બોલિવૂડ અભિનેત્રીઓ સ્વરા ભાસ્કર (એલ) અને સોનમ કપૂર (Photo by STRDEL/AFP via Getty Images)

કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને તેની હત્યાના વિરોધમાં ભારતભરમાં અત્યારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાં આવી છેડતીના કિસ્સા ઝડપથી વધી રહ્યાં છે, જેનાથી સાબિત થાય છે કે, દેશમાં મહિલાઓની સુરક્ષા સામે પડકારો ઊભા થયા છે. જે સમાજમાં મહિલા સશક્તિકરણની વાતો થતી હોય છે ત્યાં દરેક મહિલા અસુરક્ષિત હોવાનું અનુભવી રહી છે. બીજી તરફ બોલીવૂડમાં પણ એવી અનેક અભિનેત્રીઓ છે, જે પણ અગાઉ ક્યારેક આવી શારીરિક છેડતીનો ભોગ બની હતી.

સોનમ કપૂર
બોલીવૂડની યુવા અભિનેત્રી સોનમ કપૂરે જણાવ્યું હતું કે, તે જ્યારે 13 વર્ષની હતી ત્યારે ફિલ્મ જોવા થિયેટરમાં ગઈ હતી. આ દરમિયાન એક શખ્સ દ્વારા તેની સાથે છેડતી કરવામાં આવી હતી. તેણે સોનમ કપૂરના પ્રાઈવેટ પાર્ટ પર સ્પર્શ કર્યો હોવાથી તે ખૂબ ડરી ગઈ હતી.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેને જણાવ્યું હતું કે, એક એવોર્ડ ફંકશન દરમિયાન 15 વર્ષના કિશોરે તેની સાથે આવું કૃત્ય કર્યું હતું. આ કિશોરે ભીડમાં સુષ્મિતાને બેડ ટચ કર્યું હતું અને સુષ્મિતાએ તેનો હાથ પકડી લીધો હતો. સુષ્મિતાએ તેને ધમકી આપી હતી કે તે કોઈ પણ વ્યકિતને જણાવશે તો તેનું જીવન ખરાબ કરી દેશે.

બિપાશા બાસુ
એક સમયની બોલીવૂડની હોટ અભિનેત્રી બિપાશા બાસુ સાથે પણ છેડતીની ઘટના બની હતી. બિપાશા બાસુએ જણાવ્યું હતું કે, તેની ફિલ્મ ‘જિસ્મ’ના પ્રમોશન દરમિયાન એક શખ્સે તેની સાથે છેડતી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એ સમયે અભિનેતા જોન અબ્રાહમે તેને પકડી લીધો હતો અને તેને આડેહાથ લીધો હતો.

અવિકા ગૌર
જાણીતા ટીવી શો બાલિકા વધૂની જાણીતી કલાકાર અવિકા ગૌર પણ છેડતીનો ભોગ બની હતી. તે એક વખત કઝાકિસ્તાન ગઈ હતી ત્યારે તેની સાથે તેના બોડીગાર્ડ પણ હાજર હતા. એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જતી વખતે તેના બોડીગાર્ડે તેને બેડ ટચ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ફરીથી આવો પ્રયાસ કર્યો ત્યારે અવિકાએ તેનો હાથ પકડી લીધો હતો.

સ્વરા ભાસ્કર
ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ના શૂટિંગ દરમિયાન ટીમ સાથે મુસાફરી કરી રહી હતી અને તે વખતે પીઢ અભિનેતા અનુપમ ખેર પણ તેની સાથે હતા. આ વખતે જ એક શખ્સે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને અનુપમ ખેરે તેને બચાવી હતી.

LEAVE A REPLY