બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર (EPA-EFE/VASSIL DONEV VIA PTI)
ભારતની મહિલા શૂટર મનુ ભાકર રવિવારે પેરિસમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીતીને ઓલિમ્પિક મેડલ લાવનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે. આ સાથે ભારતે પેરિસમાં પ્રથમ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ભારતીય શૂટર્સ માટે 12 વર્ષની આતુરતનો અંત આવ્યો હતો.
હરિયાણાની 22 વર્ષની શૂટર ભાકરે 221.7ના સ્કોર સાથે બ્રોન્ઝ મેળવવા માટે સખત સંઘર્ષ કર્યો હતો. કોરિયાની કિમ યેજીએ કુલ 241.3 સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે તેના દેશની જિન યે ઓહે 243.2ના સ્કોર સાથે ગેમ્સ રેકોર્ડ કરી ગોલ્ડ હાંસલ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ મેડલ જીતવા બદલ મનુ ભાકરની પ્રશંસા કરી હતી અને કહ્યું કે તેની સફળતા વધુ ખાસ છે કારણ કે તે ભારત માટે શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા છે.
રાઇફલ શૂટર્સ રમિતા જિન્દાલ અને અર્જુન બબુતાએ અનુક્રમે 10 મીટર એર રાઇફલ મહિલા અને પુરુષોની ઇવેન્ટમાં અંતિમ સ્થાન મેળવીને ભારતની વધુ મેડલની આશા જીવંત રાખી હતી.
છેલ્લે વખત ભારતે 2012માં લંડન ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ હાંસલ કર્યા હતા. તેમાં રેપિડ ફાયર પિસ્તોલ શૂટર વિજય કુમાર અને 10 મીટર એર રાઈફલમાં નિશાનેબાજ ગગન નારંગે અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા હતાં. નારંગ અત્યારે પેરિસ ટુકડીના ચીફ દ મિશન છે.

LEAVE A REPLY