મણિપુરમાં વંશીય હિંસામાં આશરે 250 લોકોના મોત અને હજારો લોકો બેઘર થયા પછી રાજ્યના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે મંગળવારે આ વંશિય હિંસા માટે માફી માગી હતી તથા તમામ સમુદાયને ભૂતકાળની ભૂલો ભૂલી જઇને અને માફ કરવાનો તથા શાંતિપૂર્ણ અને સમૃદ્ધ રાજ્યમાં એકજૂથ થઈને રહેવાનો અનુરોધ કર્યો હતો.
ઇમ્ફાલમાં પત્રકારોને સંબોધતા બિરેન સિંહે કહ્યું હતું કે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં રાજ્યમાં તુલનાત્મક રીતે શાંતિ રહી છે, જે તેમને આશા આપે છે કે નવા વર્ષમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે. રાજ્યમાં જે બન્યું તેના માટે હું સોરી કહેવા માંગુ છું. ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યાં છે અને ઘણાને તેમના ઘર છોડવા પડ્યા છે. હું દિલગીર છું અને માફી માંગું છું.
તેમણે અનુરોધ કર્યો હતો કે હું તમામ સમુદાયોને અપીલ કરવા માંગુ છું કે અમારી ભૂતકાળની ભૂલોને માફ કરો અને ભૂલી જાઓ તથા શાંતિપૂર્ણ અને સમૃદ્ધ મણિપુરમાં સાથે રહીને નવેસરથી જીવન શરૂ કરો. મે 2023માં વંશીય સંઘર્ષ શરૂ થયો ત્યારથી છેલ્લા 20 મહિનામાં રાજ્યમાં ગોળીબારની ઘટનાઓમાં ઘટાડો થયો છે. 2023ના મેથી ઓક્ટોબર સુધીમાં ગોળીબારની 408 ઘટનાઓ નોંધાઈ હતી. નવેમ્બર 2023થી એપ્રિલ 2024 સુધીમાં ગોળીબારની 345 ઘટનાઓ નોંધાઈ હતી. આની સામે આ વર્ષના મેથી અત્યાર સુધીમાં ગોળીબારની 112 ઘટનાઓ નોંધાઈ હતી.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન લૂંટાયેલા તમામ શસ્ત્રોમાંથી 3,112 રિકવર કરાયા છે તથા 2,511 વિસ્ફોટકો જપ્ત કરાયા છે. અત્યાર સુધીમાં 625 લોકોની ધરપકડ કરાઈ છે 12,047 FIR નોંધવામાં આવી છે.
2023ના મે મહિનાથી રાજ્યોમાં મેતૈઈ અને કુકી-ઝો સમુદાય વચ્ચેની હિંસામાં ઓછામાં ઓછા 250 લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘરવિહોણા બન્યાં છે.