નોર્ધન ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર એરપોર્ટના ટર્મિનલ 2 ઉપર તા. 23 જુલાઈના રોજ થયેલી તકરાર બાદ સામેલ વ્યક્તિની ધરપકડ કરવા ગયેલ પોલીસ અધિકારીઓ પર કરાયેલા હુમલા અને વળતા પગલામાં આર્મ્ડ પોલીસ ઓફિસર દ્વરા લડાઇમાં સંડોવાયેલ વ્યક્તિને માથામાં લાત મારી તેનું માથું જમીન પર અથડાવતો એક વીડિયો જાહેર થતાં સમગ્ર યુકેમાં વ્યાપક રોષ ફેલાયો હતો.
પોલીસ પગલા સામે ગત સપ્તાહે બુધવારે રાત્રે રોશડેલ પોલીસ સ્ટેશન અને અને માન્ચેસ્ટર સિટી સેન્ટરમાં લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ સંસ્થાકીય જાતિવાદનો ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ (જીએમપી) પર આરોપ લગાવ્યો હતો અને પોલીસે એશિયન – મુસ્લિમ યુવાનો પર અત્યાચાર કર્યો છે તેવી ફરિયાદો સાથે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી.
સૌ પ્રથમ સોસ્યલ મિડીયા પર જાહેર થયેલા એક વિડીયોમાં દર્શાવાયું હતું કે એક વ્યક્તિ જમીન પર માથું નાંખીના ઉંધો સુઇ ગયો હતો તેમજ એક વૃધ્ધ મહિલા તેની પાસે બેઠી હતી. ત્યારે અચાનક જ એક સશસ્ત્ર પોલીસ અધિકારી ત્યાં આવે છે અને સુતેલા યુવાનના માથા પર લાત મારે છે તથા તેનું માથુ પકડીને જમાન સાથે ટકરાવે છે.
જો કે તે પછી જાહેર થયેલા બીજા વિડીયોમાં દેખાય છે કે આખો બનાવ બન્યો તે પહેલા ભોગ બનનાર યુવાન અને અન્ય એક યુવાન તકરારને શાંત કરવા આવેલ એક મહિલા પોલીસ અધિકારી સહિત બે પુરૂષ પોલીસ અધિકારીઓ પર હુમલો કરે છે. જેમાં મહિલા પોલીસ અધિકારીને નાક પર ઇજા પહોંચે છે. જ્યારે અન્ય બે પોલીસ અધિકારીઓ જમીન પર ફંગોળાઇ જતા દેખાય છે.
પોલીસના જણાવ્યા મુજબ સૌ પ્રથમ કતાર એરવેઝની ફ્લાઇટ QR023ના “યાત્રીઓ વચ્ચેની તકરાર અંગે સાંજે 7.20 વાગ્યે પોલીસને સૌ પહેલો અહેવાલ મળ્યો હતો. ત્યારબાદ લગભગ રાત્રે 8.22 વાગ્યે ટર્મિનલ 2માં લોકો વચ્ચે તકરાર થઇ હોવાના અહેવાલ મળ્યા હતા. તે પછી ટર્મિનલના કાર પાર્ક સ્થિત પે પોઈન્ટ વિસ્તારમાં રાત્રે 8.28 વાગ્યે ત્રણ પોલીસ અધિકારીઓ પર હુમલો કરાયો હતો.
પોલીસ પર હુમલાના નવા વિડિયો જાહેર થયા બાદ ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે કહ્યું હતું કે તેઓ આશા રાખે છે કે વધુ ફૂટેજના પ્રકાશનથી લોકોને “સંપૂર્ણ ચિત્ર” જોવા મળશે.
ભોગ બનેલા યુવાનના પરિવાર વતી અખ્મદ યાકૂબે કહ્યું હતું કે “જમીન પર પડેલા અસુરક્ષિત માણસના માથા પર લાત મારવાને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં”.
આ ઘટના અંગે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે (જીએમપી) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વીડિયોમાં એક ઘટના દર્શાવવામાં આવી છે, તે ખરેખર આઘાતજનક છે, અને લોકો તેના માટે ખૂબ જ ચિંતિત છે. ધરપકડમાં આવો બળપ્રયોગ કરવો એ એક અસાધારણ ઘટના છે અને અમે સમજીએ છીએ કે એ ચિંતાજનક છે. ઘટના સ્થળે “સ્પષ્ટ જોખમ” હતું અને સશસ્ત્ર અધિકારીઓ પાસેથી તેમના શસ્ત્રો લઈ શકાય એમ હતું. ત્રણ પોલીસ અધિકારીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા અધિકારીનો સમાવેશ થાય છે જેમનું નાક તૂટી ગયું હતું. 19, 25, 28 અને 31 વર્ષની વયના ચાર પુરૂષોની અફરાતફરી અને હુમલાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા.’’
આ વિડીયો જાહેર થયા બાદ ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ તે અધિકારીને સસ્પેન્ડ કરી હુમલા માટે ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ (IOPC) ફોજદારી તપાસ શરૂ કરાઇ છે. આ બાબતને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસને મોકલવી કે કેમ અને તેમાં સામેલ અધિકારી સામે શિસ્તની કાર્યવાહીનો સામનો કરવો જોઈએ કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવનાર છે.
પોલીસે માન્ચેસ્ટર એરપોર્ટ પર બનેલા બનાવ અંગે સાક્ષીઓને માહિતી આપવા અપીલ કરી છે.
બીજી તરફ હિન્દુઓ અને ભારતીયો માટેના સંગઠન ઇનસાઇટ યુકેએ ‘એક્સ’ પર જણાવ્યું હતું કે માન્ચેસ્ટર એરપોર્ટની ઘટનામાં સામેલ વ્યક્તિઓનું વર્ણન કરવા માટે “એશિયન” શબ્દના ઉપયોગ સામે તે સખત વિરોધ કરે છે. “એશિયન” ઓળખ ઘણીવાર મૂળભૂત રીતે શાંતિપૂર્ણ ભારતીયો, હિંદુ મૂલ્યો અને વર્તનની ખોટી રજૂઆત તરફ દોરી જાય છે. કાયદાનું પાલન કરનારા નાગરિકો તરીકે, અમે પોલીસની પડખે ઊભા છીએ. અમે તમામ પત્રકારોને સચોટ અને આદરપૂર્ણ પ્રતિનિધિત્વની ખાતરી કરવા માટે “એશિયન” શબ્દનો ઉપયોગ કરવાનું ટાળવા વિનંતી કરીએ છીએ.’’