REUTERS/Amit Dave

અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત 147મી રથયાત્રાનો રવિવાર, 7 જુલાઇની અષાઢી બીજે સવારે કડક સુરક્ષા વચ્ચે પ્રારંભ થયો હતો. ભગવાનની એક ઝલક મેળવવા માટે લાખ્ખો શ્રદ્ધાળુઓ શોભાયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર ઉમટી પડ્યાં હતાં. ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ (રથ) વર્ષો જૂની પરંપરા મુજબ ખલાશી સમુદાયના સભ્યો દ્વારા ખેંચવામાં આવ્યાં હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ‘મંગલા આરતી’ કરી હતી.

જમાલપુર વિસ્તારમાં આવેલા 400 વર્ષ પ્રાચીન ભગવાન જગન્નાથ મંદિરે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સવારે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરવાની ‘પહિંદ વિધિ’ કરી હતી. આ પછી ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બેસીને નગરચર્યાએ નીકળ્યાં હતા. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ જોડાઈ હતી. રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. ત્રણ રથો ઉપરાંત રથયાત્રામાં લગભગ 15 સુશોભિત હાથી, 100 ટ્રક અને વિવિધ ટેબ્લો અને ગાયક મંડળીનો સમાવેશ થતો હતો.

ભગવાનના મોસાળમાં મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી હતી અને ભાણેજને આવકારવા સરસપુર ભક્તિમય વાતાવરણમાં લીન થયું હતું. અખાડા દ્વારા વિવિધ કરતબો કરવામાં આવ્યાં હતા.

રથયાત્રામાં અનેક પ્રકારના ટેબ્લો રજુ કરાયા હતા જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવતો ટેબ્લો રજુ કર્યો હતો. હંમેશાની જેમ વિવિધ અખાડાના પહેલવાનો પણ રથયાત્રામાં જોડાયા હતાં અને તેમણે પોતાના કરતબ દેખાડીને લોકોને ચકિત કરી દીધા હતા. લોકોની એટલી ભીડ છે કે રથયાત્રાના રૂટ પર ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા દેખાતી નથી.

વહેલી સવારે 3:45 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી હતી. 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. સવારે 6.30 કલાકે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા અને અને પછી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની સુરક્ષા માટે 18,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા 1,733 બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ કરી રથયાત્રાના રૂટ પર ચાંપતી નજર રાખી હતી. આ ઉપરાંત, રૂટ પર 47 સ્થળોએ 20 ડ્રોન અને 96 સર્વેલન્સ કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, એમ બુધવારે સત્તાવાર રિલીઝમાં જણાવાયું હતું.

કોઈપણ તબીબી કટોકટીને સંબોધવા 16 એમ્બ્યુલન્સ અને પાંચ સરકારી હોસ્પિટલોમાં તબીબી ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ઉપરાંત, નાગરિકોને મદદ કરવા માટે સમગ્ર રૂટ પર 17 હેલ્પ ડેસ્ક સ્થાપિત કરાયા હતા.

LEAVE A REPLY