પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી પ્રયાગરાજમાં, શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025ના રોજ મહા કુંભ મેળા 2025 દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. (PTI Photo)

1990ના દાયકામાં બોલ્ડ અને ગ્લેમરસ ભૂમિકા માટે પ્રખ્યાત બનેલી બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ 24 જાન્યુઆરીએ મહાકુંભમાં જઇને સંન્યાસ ધારણ કરીને સૌને ચોંકાવી દીધા હતા. શુક્રવારે સાંજે ત્રિવેણી સંગમ ખાતે ‘પિંડ દાન’ની વિધિ કરીને ‘મહામંડલેશ્વર’ બની હતી. તે હવે ‘શ્રી યમાઈ મમતા નંદ ગિરી’ તરીકે ઓળખાશે.

સાંજે છ કલાકે કિન્નર અખાડામાં તેમના પટ્ટાભિષેક પણ યોજાયો હતો. બાવન વર્ષીય મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડૉ.લક્ષ્મી નારાયણ ત્રિપાઠી મહારાજ, જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અમ્બાનંદ ગિરી સાથે મુલાકાત પણ કરી હતી, જેની તસવીરો પણ પણ બહાર આવી હતી. અભિનેત્રી મમતા કુલકર્ણી 25 વર્ષ પછી તાજેતરમાં ભારત પરત આવી હતી.

મમતા કુલકર્ણીએ પત્રકારોને જણાવ્યું હતું કે “…આ મહાદેવ, મહાકાળીનો આદેશ હતો. આ મારા ગુરુનો આદેશ હતો. તેઓએ આ દિવસ પસંદ કર્યો હતો. મેં કંઈ કર્યું નથી.” કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણે જણાવ્યું હતું કે “તે છેલ્લા દોઢ વર્ષથી કિન્નર અખાડા અને મારા સંપર્કમાં છે… જો તે ઈચ્છે તો તેને કોઈપણ ભક્તિનું પાત્ર ભજવવાની છૂટ છે કારણ કે અમે કોઈને પ્રતિબંધિત કરતા નથી.

મમતા કુલકર્ણીએ 1990ના દાયકામાં ‘કરણ અર્જુન’ અને ‘બાઝી’ જેવી હિટ ફિલ્મોમાં પોતાના અભિનયથી ખ્યાતિ મેળવી હતી. અભિનેત્રીએ તેની કારકિર્દી દરમિયાન શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જેવા ટોચના સ્ટાર્સ સાથે કામ કર્યું છે.ગયા વર્ષે, બોમ્બે હાઈકોર્ટે ₹2,000 કરોડના ડ્રગ્સ કેસના સંબંધમાં મમતા કુલકર્ણી સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી હતી. જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે કુલકર્ણી સામેના કેસને તેના વિરુદ્ધ પુરાવાના અભાવે ફગાવી દીધો હતો.

LEAVE A REPLY