(Photo by MUSTAFA TAUSEEF/AFP via Getty Images)

એક સમયની બોલીવૂડની હોટ અને વિવાદાસ્પદ અભિનેત્રી મમતા કુલકર્ણી 25 વર્ષ પછી ભારત પરત ગઇ છે. તેણે આ અંગે પોતાની લાગણીઓ સોશિયલ મીડિયામાં એક વિડીયો દ્વારા જણાવી છે. શાહરૂખ ખાન અને સલમાન ખાન અભિનિત લોકપ્રિય ફિલ્મ ‘કરણ અર્જુન’ની આ અભિનેત્રી ભારત પરત જતી વખતે ભાવૂક અને અભિભૂત જણાતી હતી.

મમતાએ વિડીયોમાં કહ્યું હતું કે, તે 25 વર્ષ પછી ભારત પરત ગઇછે અને મુંબઈ પહોંચીને તેની જૂની યાદો તાજી થઈ ગઈ છે. તેણે કહ્યું કે જ્યારે તેની ફ્લાઈટ ભારતની ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે તે પોતાની માતૃભૂમિને જાઈને ખૂબ જ ભાવૂક થઈ ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર ઉતરતી વખતે, તે આંસુઓને રોકી શકી નહોતી અને ખૂબ જ ભાવનાત્મક ક્ષણનો અનુભવ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મો સિવાય મમતા પોતાના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહી છે. થાણેની પોલીસને 12 એપ્રિલ, 2016ના રોજ, બે વાહનોમાંથી બે-ત્રણ કિલો એફેડ્રિન પાવડર મળ્યો હતો, નશીલા પદાર્થ તરીકે ઓળખાય છે. આ કેસમાં આરોપી મયુર અને સાગરની ધરપકડ કરવામાં આવી હતી અને આ પાવડરની કિંમત અંદાજે ૮૦ લાખ રૂપિયા હતી. બંને પાસે નકલી ઓળખ કાર્ડ પણ હતા.

પોલીસે તપાસ દરમિયાન 10 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે મમતા કુલકર્ણી સહિત સાત લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપ મુક્યો હતો કે, મમતા કુલકર્ણીએ જાન્યુઆરી ૨૦૧૬માં કેન્યામાં યોજાયેલી એક મીટિંગમાં હાજર હતી અને આરોપી વિકી ગોસ્વામી અને અન્ય લોકો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. જોકે, મમતા કુલકર્ણીએ તેના વકીલ માધવ થોરાત મારફત દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેની સામેના આરોપો માત્ર સહઆરોપીના નિવેદન પર આધારિત છે અને તેની સામે કોઈ નક્કર પુરાવા નથી. આખરે, કોર્ટે, આરોપો અને પુરાવાઓની સમીક્ષા કર્યા પછી, તારણ કાઢ્યું હતું કે, એનડીપીએસ એક્ટ હેઠળ તેમની સામે આરોપો સાબિત કરવા માટે પર્યાપ્ત પુરાવા નથી.

LEAVE A REPLY