
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તેમના યુકેના પ્રવાસ દરમિયાન ભારતીય હાઈકમિશનર દ્વારા ઈન્ડિયા હાઉસ ખાતે યુકેના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બંગાળમાં વિવિધ તકો વિષે સ્થાનિક અગ્રણીઓ સાથે સોમવાર, 24 માર્ચે પરામર્શ કર્યો હતો.
ભારતીય હાઈ કમિશનર વિક્રમ કે દોરાઈસ્વામીએ યોજેલા હાઇ ટી રીસેપ્શનમાં પશ્ચિમ બંગાળ અને યુકે વચ્ચે સંવાદ અને સહયોગ માટે ચર્ચાવિચારણા કરાઈ હતી.
આ પ્રોગ્રામમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે યુકેના ઔદ્યોગિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પ્રભાવશાળી પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી હતી. મમતા બેનર્જી સાથે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ ડૉ. મનોજ પંત અને ઉદ્યોગ સચિવ વંદના યાદવ તથા ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષ પણ હતાં.
મમતા બેનર્જીએ પોતાના સંબોધનમાં વૈશ્વિક અર્થતંત્રમાં બંગાળની ભૂમિકા માટે એક મજબૂત વિઝન રજૂ કરી રોકાણની તકો, શૈક્ષણિક સહયોગ અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે મમતા બેનર્જીએ પ્રશ્નોત્તરી સેશનમાં ભાગ લઈ બંગાળના વિકાસ, સાંસ્કૃતિક પહેલ અને વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા અંગેના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યાં હતાં.
