પાકિસ્તાનની પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત બહુચર્ચિત મલાલા યુસુફઝાઈ તાજેતરમાં દેશના અશાંત વિસ્તારમાં આવેલા તેના વતનમાં જઇને તેના પરિવારના સભ્યોને મળી હતી. તાલિબાન દ્વારા ગોળી માર્યા પછી તેની આ પ્રથમ પારિવારિક વતન મુલાકાત હતી. સ્થાનિક ધ ડોન અખબારના રીપોર્ટ મુજબ, મલાલા હેલિકોપ્ટર દ્વારા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના શાંગલા જિલ્લાના બરકાનામાં પહોંચી હતી, જ્યાં તે તેના કાકા રમઝાનને મળી હતી. તેમણે તાજેતરમાં ઇસ્લામાબાદમાં હૃદયરોગની સર્જરી કરાવી હતી. મલાલાએ તેના પૂર્વજોના કબ્રસ્તાનની પણ મુલાકાત લીધી હતી. સ્થાનિક કરોરા સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) અમજદ આલમ ખાને અખબારને જણાવ્યું હતું કે મલાલા સાથે તેના પિતા ઝિયાઉદ્દીન યુસુફઝાઈ અને તેના પતિ, અસીર મલિક પણ હતા, તે બંનેએ 2021માં લગ્ન કર્યા હતા. SHO ખાને જણાવ્યું હતું કે, મલાલાએ જિલ્લાની એક હજાર યુવતીઓને મફત શિક્ષણ મળે તે હેતુથી 2018માં બરકાનામાં સ્કૂલ અને કોલેજ શરૂ કરાવી હતી, તેણે તેની પણ મુલાકાત લીધી હતી. અગાઉ ત્યાં છોકરીઓ માટે કોઈ સરકારી કોલેજ કાર્યરત નહોતી. મલાલાએ તેના મોસાળની પણ મુલાકાત લીધી હતી. આ ટૂંકી મુલાકાત પછી તે ઇસ્લામાબાદ પરત આવી હતી. 2018માં તેને તાલિબાન દ્વારા ગોળી માર્યા પછી વતનની તેની આ પ્રથમ મુલાકાત હતી. 2022માં આવેલા વિનાશક પૂર વખતે પણ તેણે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં ઇસ્લામાબાદમાં મુસ્લિમ સમુદાયની છોકરીઓમાં શિક્ષણ મુદ્દે યોજાયેલી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ તે ઉપસ્થિત રહી હતી.
