કુખ્યાત ઇસ્લામીસ્ટ એક્ટીવીસ્ટ અને તાજેતરમાં ચૂંટાયેલા પેલેસ્ટાઇન તરફી સાંસદોની ચૂંટણી ઝુંબેશમાં મહત્વનો ભાગ ભજવનાર માજિદ નોવસારકા ઉર્ફે માજિદ ફ્રીમેનને સપ્ટેમ્બર 2022માં લેસ્ટરમાં રમખાણો ભડક્યા પછી “તાત્કાલિક ગેરકાયદેસર હિંસા” ફેલાવવાના પ્રયાસો માટે સેક્શન 4 બ્લિક ઓર્ડરના ગુનામાં દોષીત ઠેરવી 22 મહિનાની જેલસજા કરવામાં આવી છે. તેને વિક્ટીમ સર્વિસ સરચાર્જ પેટે £154 ક્રાઉન પ્રોસિક્યુશનને £700 મળી કુલ £854 ચૂકવવા આદેશ કરાયો છે.
19મી જૂન, 2024ના રોજ નોર્થમ્પ્ટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક દિવસીય ટ્રાયલ પછી, તેને તે જ કોર્ટમાં 9મી સપ્ટેમ્બર, 2024ના રોજ સજા સંભળાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે એશિયા કપ ક્રિકેટ મેચ પછી લેસ્ટરમાં 17 સપ્ટેમ્બર, 2022ના રોજ મુસ્લિમ અને હિંદુ સમુદાયો વચ્ચેના તણાવને લઈને રમખાણો ફાટી નીકળ્યા હતા. આરોપ છે કે તે સમયે ફ્રીમેને સ્થાનિક હિંદુઓ વિશે ખોટા દાવાઓ ફેલાવ્યા હતા જેનો હેતુ સ્થાનિક મુસ્લિમોને ઉશ્કેરવાનો હતો. કોર્ટે સ્વીકાર્યું હતું કે તે “તાત્કાલિક ગેરકાયદેસર હિંસા”નો ઈરાદો ધરાવે છે અને શહેરમાં હિંસા ઉશ્કેરાય તેવા ઈરાદા સાથે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઇનસાઇટ યુકેના અહેવાલ મુજબ 17 સપ્ટેમ્બર, 2022 બાદ લેસ્ટરમાં હિંદુઓ પર હુમલા કરવા અઠવાડિયા સુધી હિન્દુ વિરોધી નફરત અને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી હતી. માજિદ ફ્રીમેને વિડિયો પર વધુ મુસ્લિમોને વાદ-વિવાદમાં જોડાવા માટે લેસ્ટર આવવા પ્રોત્સાહિત કર્યા હતા.
ફ્રીમેન આ અગાઉ લેસ્ટર સાઉથમાં પેલેસ્ટાઈન તરફી સાંસદ શોકત આદમની ચૂંટણી ઝુંબેશના કેન્દ્રમાં હતો અને ઇન્ડિપેન્ડન્ટ સાંસદ આદમ માટે પ્રચાર કર્યો હતો. ગાઝા પરના વલણ અંગે કેમેરા સાથે લેબરના નેતા એશવર્થને હેરાન કરતો હોય તેવો વિડીયો જાહેર થયો હતો. તે ચૂંટણીમાં ભૂતપૂર્વ લેબર મિનિસ્ટર જોનાથન એશવર્થની હાર થઇ હતી.
ફ્રીમેન સામે આક્ષેપ છે કે તે હિંદુ સમુદાયને ઉશ્કેરવા માટે આમંત્રણ વગર હિંદુ કાર્યક્રમો અને તહેવારોમાં પોહંચી જતો હતો અને ઘણી વખત બાળકો હાજર હોય તો પણ સોશિયલ મીડિયા પર શેર કરવા માટે પરવાનગી વિના વીડિયો ઉતારતો હતો. એવો પણ આક્ષેપ છે કે તે નિયમિતપણે હિંદુઓને નિશાન બનાવતા તેના સોશિયલ મીડિયા પર નફરતથી ભરેલી પોસ્ટ અને નકલી સમાચારો શેર કરતો હતો.
આ તોફાનોમાં હિંદુ ધર્મસ્થાનો, મિલકતો અને કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.