બે વર્ષ પહેલા લેસ્ટરમાં હિંદુ-મુસ્લિમ અશાંતિ દરમિયાન “ખોટી માહિતી” ફેલાવવાનો આરોપ મૂકનાર 36 વર્ષીય માજિદ નોવરાસ્કા ઉર્ફે ફ્રીમેન તા. 24ના રોજ લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં બિનસંબંધિત આતંકવાદી ગુનાઓના આરોપમાં હાજર થયો હતો. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવા અને પ્રતિબંધિત સંગઠન હમાસને ટેકો આપવાના આરોપો વાંચવામાં આવ્યા હતા.
લેસ્ટરના સેસીલ રોડ પર રહેતા કહેવાતા કોમ્યુનિટી એક્ટીવીસ્ટ માજિદ ફ્રીમેનના સમર્થકોએ કોર્ટની બહાર પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવ્યા હતા. તેને સોશિયલ મીડિયા પર સંદેશા પ્રસારિત કરવા અથવા પોસ્ટ કરવા માટે પ્રતિબંધિત કરવાની શરતો સાથે શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
ડિસ્ટ્રિક્ટ જજ લુઈસા સિસીયોરા સંમત થયા કે કેસ સમરી, અથવા ઝડપી, ટ્રાયલ માટે યોગ્ય નથી અને 16 ઓગસ્ટે લંડનમાં ઓલ્ડ બેઈલી ખાતેની સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટમાં આતંકવાદની સૂચિમાં સુનાવણી કરવા માટે કેસને ટ્રાન્સફર કર્યો હતો.
થિંક ટેન્ક હેનરી જેક્સન સોસાયટીના નવેમ્બર 2022ના ‘લેસ્ટરમાં હિંદુ-મુસ્લિમ સિવિલ અનરેસ્ટ’ નમાના અહેવાલમાં જણાવાયું છે કે “લેસ્ટરમાં હિંદુઓ દ્વારા આચરવામાં આવેલ મુસ્લિમો સામે હિંસાના ફ્રીમેનના ઘણા આરોપો પાછળ કોઈ પુરાવા નથી.” આ અથડામણ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના પગલે થઈ હતી. અહેવાલમાં તેને સોશિયલ મીડિયા પર “ખોટી માહિતી ફેલાવનારા ઇન્ફ્લુએન્સર તરીકે નામ આપ્યું હતું.
સુનાવણી દરમિયાન કોર્ટમાં રજૂઆત કરાઇ હતી કે ગયા વર્ષે 26 ડિસેમ્બર અને આ વર્ષે 20 જૂનની વચ્ચે વિવિધ તારીખો પર ફ્રીમેને પ્રતિબંધિત સંગઠન, એટલે કે હમાસના સમર્થનમાં અભિપ્રાય અથવા માન્યતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેણે માર્ચમાં ફ્રાન્સમાં 2015ના ચાર્લી હેબ્દો આતંકવાદી હુમલાના સંબંધમાં સંદેશા પોસ્ટ કરવા માટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો, જેનો હેતુ “આતંકવાદના કૃત્યો કરવા, તૈયાર કરવા અથવા ઉશ્કેરવા માટે જનતાને પ્રત્યક્ષ કે આડકતરી રીતે પ્રોત્સાહિત કરવા અથવા અન્યથા પ્રેરિત કરવાનો હતો.’’
ઇસ્ટ મિડલેન્ડ્સ કાઉન્ટર ટેરરિઝમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી 9 જુલાઈના રોજ માજિદ નોવરાસ્કાની ધરપકડ કરી પૂછપરછ કરાઇ હતી. આ તબક્કે તેણે દોષિત કે બિન-દોષિત પ્લી દાખલ કરી ન હતી.