સિએટલ સેન્ટર ખાતે 2 ઓક્ટોબરે ગાંધીજયંતિના પ્રસંગે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિએટલના મેયર બ્રુસ હેરેલ, કોંગ્રેસમેન એડમ સ્મિથ અને કોંગ્રેસવુમેન પ્રેમિલા જયપાલ સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
સિએટલમાં ગાંધીજીની આ પ્રથમ પ્રતિમાનું અનાવરણ લોકપ્રિય સ્પેસ નીડલ બેઝની નીચે અને ચિહુલી ગાર્ડન અને ગ્લાસ મ્યુઝિયમની બાજુમાં કરાયું હતું. અનાવરણ સમારોહનું નેતૃત્વ સિએટલમાં ભારતના કોન્સલ જનરલ પ્રકાશ ગુપ્તાએ કર્યું હતું.
ગાંધી જયંતિ સમારોહમાં વક્તવ્ય આપનારા મહાનુભાવોએ અહિંસા, સત્યાગ્રહ અને સર્વોદયના મૂલ્યોની હાલના યુગમાં પણ કેટલી જરૂરિયાત છે તેના પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે વોશિંગ્ટનના ગવર્નર જય ઇન્સ્લીએ એક સત્તાવાર જાહેરાનામું જારી કરીને આ પ્રતિમાને ગાંધીજીના ઉપદેશોને કાયમી શ્રદ્ધાંજલિ ગણાવી હતી. જાહેરનામામાં જણાવાયું હતું કે ભારત સરકાર તરફથી સિએટલ શહેરને ભેટ આપવામાં આવેલી ગાંધીની પ્રતિમા ગાંધીના ઉપદેશોને કાયમી શ્રદ્ધાંજલિ તથા સામાજિક અને રાજકીય પરિવર્તન હાંસલ કરવા માટે અહિંસાની શક્તિની યાદ અપાવે છે.