મહાકુમ્ભમાં સંગમ ખાતે થયેલી નાસભાગ વિરોધપક્ષોએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે મહાકુમ્ભમેળાના મેનેજમેન્ટ પર પણ પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે વીઆઇપી કલ્ચર અને સરકારના ગેરવહીવટને કારણે ભાગદોડ થઇ છે.
સપાના અખિલેશ યાદવે કહ્યું, મહાકુમ્ભને સેનાના હવાલે કરી દેવો જોઇએ. અમૃત સ્નાનને કારણે મોટા ભાગના પોન્ટૂન પુલ બંધ કરવામાં આવ્યા હતા. આના કારણે સંગમ ખાતે કરોડો લોકોની ભીડ એકઠી થવા લાગી. એના કારણે કેટલાક લોકો બેરિકેડ્સમાં ફસાઇ ગયા અને નીચે પડી ગયા.
આ જોઇને નાસભાગની અફવા ફેલાઇ ગઇ. સંગમ નોઝ પર એન્ટ્રી અને એકિઝટના કોઇ અલગ રસ્તા નહોતા. લોકો જે રસ્તે આવી રહ્યા હતા એ જ રસ્તા પાછા જઇ રહ્યા હતા. આવી સ્થિતિમાં જયારે નાસભાગ મચી ત્યારે લોકોને બચવાનો મોકો મળ્યો નહીં. તેઓ એકબીજા પર પડતા રહ્યા.
શિવસેના (યુબીટી)એ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં બુધવારે જાણવા માગ્યું હતું કે મહાકુમ્ભમાં થયેલી નાસભાગ માટે કોણ જવાબદાર છે? તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વીઆઈપીઓ (પ્રધાનો)ની મુલાકાત દરમિયાન નદી કિનારાના કેટલાક ભાગો બંધ કરવામાં આવતા હોવાને કારણે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે.
આ દિવસ વીઆઈપીઓ માટે અનામત છે. શિવસેનાના રાજ્યસભા સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં મહાકુમ્ભના સંચાલન પાછળ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
સંજય રાઉતે સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, ‘બધા પૈસા ક્યાં ગયા? ભાજપ કુમ્ભ દ્વારા રાજકીય પ્રચાર કરી રહી છે. તેઓ કુમ્ભનું વ્યાપારીકરણ કરીને ચૂંટણી લડવા માંગે છે. આ તેમની શ્રદ્ધા નથી, પરંતુ રાજકારણ છે અને લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.’ તેમણે વધુમાં કહ્યું કે વહેલી સવારે કુમ્ભમેળામાં થયેલી નાસભાગ રાજ્ય વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી હત્યા હતી.