પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં દેશ-વિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે સ્વચ્છ અને શુદ્ધ પીવાના પાણીની મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા વિસ્તારમાં કુલ 233 વોટર એટીએમ લગાવવામાં આવ્યા છે. જે 24 કલાક કોઈપણ જાતના વિક્ષેપ વિના કાર્યરત રહે છે. આ વોટર એટીએમ દ્વારા યાત્રાળુઓને દરરોજ શુદ્ધ આરઓ (રિવર્સ ઓસ્મોસિસ) પાણી મળી રહ્યું છે. લાખો તીર્થયાત્રીઓએ આ વોટર એટીએમનો લાભ લીધો છે.
વહીવટીતંત્રે આ પાણીના એટીએમ દ્વારા પીવાના પાણીનું નિ:શુલ્ક વિતરણ સુનિશ્ચિત કર્યું છે. શરૂઆતમાં, આ સેવા લિટર દીઠ ₹1 ના દરે ઉપલબ્ધ હતી. જ્યાં યાત્રાળુઓ ચલણી સિક્કાનો અથવા આરઓ પાણી માટે ચૂકવણી કરવા માટે યુપીઆઈ સ્કેનિંગનો ઉપયોગ કરી શકતા હતા. જો કે હવે યાત્રિકોને કોઈ પણ મુશ્કેલી વગર સ્વચ્છ પાણી મળી રહે તે માટે આ સેવા સંપૂર્ણપણે મફત કરવામાં આવી છે. દરેક વોટર એટીએમ પર એક ઓપરેટર તૈનાત હોય છે. જે યાત્રાળુઓ બટન દબાવતાની સાથે જ શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તેની ખાતરી આપે છે. તેમજ સુનિશ્ચિત કરે છે કે યાત્રાળુઓને પાણી મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે અને પાણીનો પુરવઠો વિક્ષેપ વિના ચાલુ રહે.
મહાકુંભમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓને જોતા દરેક વોટર એટીએમમાં રોજનું 12 હજારથી 15 હજાર લીટર આરઓ પાણી આપવામાં આવી રહ્યું છે. તમામ વોટર એટીએમ સિમ-આધારિત ટેકનોલોજીથી સજ્જ છે, જે તેમને વહીવટીતંત્રના કેન્દ્રીય નેટવર્ક સાથે જોડાયેલા રાખે છે.