વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ ફર્સ્ટ લેડી જિલ બાઇડનને ભેટમાં આપેલો 20,000 ડોલરનો હીરો 2023માં વિશ્વના કોઈપણ નેતા દ્વારા બાઇડન પરિવારને આપવામાં આવેલી સૌથી મોંઘી ગિફ્ટ બની હતી. 7.5 કેરેટ ઇકો-ફ્રેન્ડલી અને લેબ ગ્રોન ડાયમંડ મોદીએ જૂન 2023માં તેમની અમેરિકાની સત્તાવાર મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસ ખાતે એક ખાનગી રાત્રિભોજનમાં જિલ બાઇડનને ભેટમાં આપ્યો હતો. તે સમયના વિદેશી વિનિમય દર મુજબ હીરાની કિંમત ભારતીય ચલણમાં આશરે રૂ.16 લાખ હતી.
અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર મોદીએ પ્રેસિડન્ટ જો બાઇડનને કોતરણીકામ સાથેનું ચંદનનું બોક્સ, એક પ્રતિમા, એક તેલનો દીવો અને ‘ધ ટેન પ્રિન્સિપલ ઉપનિષદ’ નામનું પુસ્તક પણ ભેટમાં આપ્યું હતું, જેનું મૂલ્ય $6,232 હતું.
વિદેશ વિભાગે ગુરુવારે વાર્ષિક એકાઉન્ટિંગમાં જણાવાયું હતું કે પ્રેસિડન્ટ બાઇડનને મળેલી ગિફ્ટ નેશનલ આર્કાઇવ્સ એન્ડ રેકોર્ડ્સ એડમિનિસ્ટ્રેશન (NARA)ને ટ્રાન્સફર કરવામાં આવી છે, પરંતુ ફર્સ્ટ લેડીના હીરાને ‘પૂર્વ વિંગમાં સત્તાવાર ઉપયોગ માટે’ જાળવી રાખવામાં આવ્યો છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના કન્વીનર સ્મિત પટેલના જણાવ્યા અનુસાર 7.5 કેરેટના હીરાને ગુજરાતના સુરતની એક ફેક્ટરીમાં વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. આ ટેકનોલોજીમાં કુદરતી હીરાની રચનામાં પૃથ્વીની નીચે જે પ્રક્રિયા થાય છે તે જ પ્રક્રિયાથી હીરો બનાવવામાં આવે છે. આ હીરા 7.5 કેરેટનો છે, જે ભારતની આઝાદીના 75 વર્ષનું પ્રતિનિધિત્વ કરે છે.ઉપરાંત, આ હીરાને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો.