લંડનના મેયર સાદિક ખાને તેમની ઐતિહાસિક ત્રીજી ટર્મની ઉજવણીને પગલે તેમના પોતાના પૂતળાનું તા. 30ના રોજ લંડન આઇ ખાતે મેડમ તુસાદ લંડન માટે અનાવરણ કર્યું હતું. જેનો સમાવેશ મેડમ તુસાદ લંડનમાં બુધવારે 31 જુલાઈના રોજ થશે.
મેડમ તુસાદ લંડનમાં કરાયેલો આ નવો ઉમેરો એ આકર્ષણના કલ્ચર કેપિટલ ઝોનનો એક ભાગ છે, જે યુકેની વાઇબ્રન્ટ સાંસ્કૃતિક લેન્ડસ્કેપને આકાર આપનાર પ્રભાવશાળી વ્યક્તિઓને સન્માનિત કરે છે.
મેયર ખાને 2016માં પ્રથમ વખત પદ સંભાળ્યું ત્યારે પહેરવામાં આવેલો ચોક્કસ પોશાક આ પૂતળાને પહેરાવવામાં આવ્યો છે. જે મેયર દ્વારા બેકર સ્ટ્રીટ એટ્રેક્શન માટે દાનમાં આપવામાં આવ્યો હતો.
લંડનને વધુ સમાવિષ્ટ, ટકાઉ અને ગતિશીલ શહેર બનાવવા માટેના તેમના સમર્પણ માટે તેમને પસંદ કરાયા છે. પ્રથમ મુસ્લિમ મેયર તરીકે ચૂંટાયા ત્યારથી, મેયર ખાન લંડનના રાજકીય અને નાગરિક લેન્ડસ્કેપમાં એક મુખ્ય વ્યક્તિ બની ગયા છે. તેઓ ત્રીજી મુદત માટે ફરીથી ચૂંટાયેલા લંડનના પ્રથમ મેયર છે અને દરેક માટે વધુ યોગ્ય, સુરક્ષિત, હરિયાળું લંડન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
મેયર સાદિક ખાને કહ્યું હતું કે “મૅડમ તુસાદ લંડનમાં લાઇન-અપમાં જોડાવા માટે હું સન્માનિત છું. આ પ્રક્રિયામાંથી પસાર થવું અને સમગ્ર વિશ્વમાં મોકલતા પહેલા મેડમ તુસાદના તમામ પૂતળા લંડનમાં બનાવવામાં આવે છે તે જાણવું રસપ્રદ રહ્યું છે. લંડન આઇના પોડમાં અનાવરણ થનારી પ્રથમ વ્યક્તિ હોવાનો મને પણ ગર્વ છે. લંડનનો વિશ્વમાં અગ્રણી એવો સાંસ્કૃતિક વારસો અને મુલાકાતીઓના આકર્ષણો યુકેની અર્થવ્યવસ્થામાં અબજોનું યોગદાન આપે છે અને તે આપણા શહેરને ખાસ બનાવે છે.”
વિશ્વભરમાં 23થી વધુ મેડમ તુસાદ એટ્રેક્શન આવેલા છે.