લંડનમાં સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા ધ ભવન ખાતે યોજાયેલા ‘માતૃ વંદના’ કાર્યક્રમમાં ભરતનાટ્યમ, મણિપુરી, મોહિનીઅટ્ટમ, કુચીપુડી અને કથકના ઉત્કૃષ્ટ મિશ્રણ દ્વારા દિવ્ય માતાઓને ટ્રિબ્યુટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં યુકેના સદીઓ જૂના મધર્સ ડેની ઉજવણી સાથે ભારતીય પરંપરાઓના સારને એકીકૃત કરાયો હતો.
આ પ્રસંગે બકિંગહામ પેલેસ તરફથી શુભેચ્છા સંદેશ અપાયો હતો અને સંસ્કૃતિ સેન્ટરને તેના કલાત્મક પ્રયાસો માટે મહારાજા ચાર્લ્સ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લગભગ 250 મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસ્કૃતિક સમન્વયથી મોહિત થયા હતા.
નૃત્ય પ્રદર્શનના કેન્દ્રમાં મત્સ્ય પુરાણમાંથી સપ્ત માતૃકા સ્તોત્ર હતું, જેમાં રક્તબીજ રાક્ષસ સામેના યુદ્ધમાં સાત દિવ્ય માતાઓની શૌર્ય ગાથા વર્ણવવામાં આવી હતી. બ્રહ્માણી તરીકે સાન્વિકા કોમિનેની, મહેશ્વરી તરીકે દેબાંજલી બિશ્વાસ, કૌમરી તરીકે મંજુ સુનિલ, વૈષ્ણવી તરીકે લક્ષ્મી પિલ્લઈ, વારાહી તરીકે શ્રી લલિતા કોટલા, ઇન્દ્રાણી તરીકે પ્રિયા કુશવાહા, અને ચામુંડા તરીકે રાગસુધા વિંજમુરીએ દિવ્ય વ્યક્તિઓને જીવંત બનાવી હતી.
સાંજની શરૂઆત ફિલ્મ અને ટીવી વ્યક્તિત્વ પોલ બ્રેટ, પ્રોફેસર પીટર ઓસ્ટિન, લેખક તેજેન્દ્ર શર્મા MBE અને પાર્વતી નાયર સહિત પ્રતિષ્ઠિત હસ્તીઓ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ અંજના વાસા દ્વારા આત્માને ઉત્તેજિત કરનારું આહ્વાન ગીત રજૂ કરાયું હતું. કાર્યક્રમમાં યુવા કલાકારો દ્વારા મનમોહક પર્ફોર્મન્સ પણ દર્શાવવામાં આવ્યા હતા.
યુવા નર્તકોના પ્રતિભાશાળી જૂથ દ્વારા મૂવિંગ પર્ફોર્મન્સ દ્વારા માતૃત્વ પ્રત્યેનો આદર વધુ પ્રબળ બન્યો હતો. તો ‘નૃત્ય ચિત્ર’ના ઉત્તેજક પ્રદર્શનમાં ચામુંડા દેવીના દૈવી લક્ષણો દર્શાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન વેમ્બલી સ્ટેડિયમ સ્પીકર્સ ક્લબના પ્રમુખ સુશીલ રાપટવાર અને BHF રેડિયોના RJ પ્રાચી ઘોટંકર દ્વારા કરવામાં આવ્યું હતું.
