મા કૃપા ફાઉન્ડેશન દ્વારા ભારતના સાંદિપની આશ્રમના પ્રણેતા અને વિશ્વ વિખ્યાત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝા – ભાઇ શ્રીના શ્રીમુખે જીવન માટે અમૃત સમાન શ્રીમદ ભાગવત કથાનું શાનદાર આયોજન 12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન SKLPC સ્પોર્ટ્સ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, નોર્થોલ્ટ ખાતે કરવામાં આવ્યું હતું. કથાના પ્રારંભે 12મી સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાતેય દિવસ દરમિયાન રોજના સેંકડો ભક્તોએ શ્રીમદ ભાગવત કથાનો લાભ લીધો હતો. કથા દરમિયાન પૂ. રમનેશભાઇ ઓઝા – ભાઇ શ્રીએ પોતાની અસ્ખલિત મઘુર ભાષામાં રોચક ઉદાહરણો સાથે શ્રી રામ અને કૃષ્ણ જન્મ, ગોવર્ધન ઉત્સવ, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્રનું વર્ણન કરી કથા નું કસપાન કરાવ્યું હતું. કથા દરમિયાન સૌ ભક્તોએ સાંસ્કૃતિક કાર્યક્રમ, હવન તથા મહા પ્રસાદનો લાભ લીધો હતો.

સમગ્ર આયોજન વિષે માહિતી આપતા મા કૃપા ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેન શ્રી જયંતિભાઈ ખાગ્રામે જણાવ્યું હતું કે ‘’અમે છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી સમુદાયની વિવિધ રીતે સેવા કરીએ છીએ. અમે યુકે, ભારત અને ઇસ્ટ આફ્રિકામાં બાળકો, વડિલો અને વંચિત લોકોના ઉત્કર્ષ માટે ભંડોળ એકત્ર કરવા કથા, મનોરંજક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. અમારું મિશન જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું છે.’’

જયંતિભાઈ ખાગ્રામે જણાવ્યું હતું કે યુકેમાં અમે સેન્ટ લ્યુક્સ હોસ્પીસ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ સહિતની વિવિધ ચેરિટી સંસ્થાઓને દાન આપ્યું છે. તો એજવેરમાં અમે મા કૃપા ગુજરાતી શાળા ચલાવીએ છીએ જ્યાં બાળકોને ગુજરાતી ભાષાનું શિક્ષણ આપીએ છીએ. ગ્રીનફર્ડ જલારામ મંદિર થકી વૃદ્ધોને પેક્ડ ભોજન પૂરું પાડ્યું હતું અને ઓમ શક્તિ ડે કેન્દ્ર ખાતે યોગા વર્ગો અને કોમ્પ્યુટર કૌશલ્યના વર્ગો ચલાવ્યા હતા. ભારતમાં ચેરિટી કાર્યોમાં દર વર્ષે મોતિયાના ઓપરેશન માટે આંખના કેમ્પો ચલાવવા ઉપરાંત અમે કોવિડ ઇમરજન્સી વખતે વંચિતો માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પૂરા પાડ્યા હતા. આ ઉપરાંત અક્ષય પાત્ર સંસ્થાને સ્કૂલ મિલ માટે, શાળાઓને કોમ્પ્યુટર અને લેપટોપ માટે, રાજકોટમાં વૃદ્ધો માટેના આશ્રમને, કેન્સરના દર્દીઓને ફ્રુટ બેગ અને અનાજ આપવા માટે અને મેડિકલના વિદ્યાર્થીઓ માટે પ્રાયોજિત શિક્ષણ માટે અમારી સંસ્થા દ્વારા દાન આપવામાં આવ્યાં છે. અમે ઇસ્ટ આફ્રિકામાં યુગાન્ડાની શાળામાં પાણીનો હેન્ડપંપ સ્થાપિત કરવા, લાઇટ હોપ ચેરિટી નૈરોબીને મદદ કરવા અને નાકુરુમાં શિક્ષણ માટે સખાવત કરી છે.’’

શ્રી ખગ્રામે કહ્યું હતું કે ‘’અમે જે દાન મેળવીએ છીએ તે દાનની રકમ તેજ વર્ષે વિવિધ સેવાકાર્યો માટે ફાળવી દઇએ છીએ. અમને દાતાઓનો ખૂબ જ ટેકો છે અને આ કથામાં પણ અમને સારો સહકાર મળી રહ્યો છે. જેમાં MFS ફાઇનાન્સના પરેશભાઇ રાજા, KSEYEના જીતેનભાઇ ખગ્રામ, લાડકી ફેશન્સ, DKLM સોલિસીટર્સ, સંસ્કૃતિ ફાઉન્ડેશન, જલારામ મંદિર ગ્રીનફર્ડ, સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના રાજેશ્વર ગુરૂજીનો ફાળો છે. હવે આ કથા દ્વારા ફંડ એકત્ર કરીને અમારી ઇચ્છા નોર્થ વેસ્ટ લંડનમાં એક વૃધ્ધો અને સગર્ભા – નવી માતાઓ માટે કોમ્યુનિટી સેન્ટર શરૂ કરવાની છે. તે માટે અમે ભાઇશ્રીની કથાનું આયોજન કર્યું હતું અને આગામી વર્ષે અમારી ઇચ્છા યુરોપની સૌ પ્રથમ શ્રેષ્ઠ કથા લંડનના કોઇ પ્રતિષ્ઠીત સ્થળે કરવાની છે. આ સેન્ટર માટે અમને £1 મિલિયનની જરૂર છે જે માટે ઉદાર હાથે સખાવત કરવા અને અમારી પ્રવૃત્તિઓને સમર્થન આપવા સૌને નમ્ર વિનંતી છે.’’

અન્ય ટ્રસ્ટીઓ અશોકભાઇ દાલિયા, રશ્મિભાઇ શાહ તથા સંસ્થાના સલાહકાર શ્રી પ્રકાશભાઇ ગંડેચાએ કહ્યું હતું કે ‘’આ કથાનું આયોજન છેલ્લા ત્રણ માસમાં જ કરાયું હતું અને અમારા એન્જીન જેવા જયંતિભાઇની પ્રેરણા અને માર્ગદર્શનથી તે પાર પાડી શક્યા હતા. રોજના 100 વોલંટીયર્સ અમને મદદ કરી રહ્યા છે.’’

આ કથાનું પ્રસારણ આસ્થા ટીવી ચેનલ અને sandipani.tv પર કરાયું હતું.

માહિતી અને દાન કરવા સંપર્ક: www.maakrupafoundation.org; જયંતિભાઈ ખાગ્રામ: 020 8907 0028, રમેશ પોપટ: 07956 303 065, રશ્મિ શાહ: 07772 287 509.

LEAVE A REPLY