કોબ્રા બીયરના સ્થાપક લોર્ડ કરણ બિલિમોરિયાએ કંપનીના ચેરમેન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. બિલિમોરિયાએ કંપનીના નાણાકીય પતનથી પ્રભાવિત થયેલા લગભગ તમામ લેણદારોને ચૂકવણી કર્યા પછી કંપનીમાંથી વિદાય લીધી છે.
1989માં બિલિમોરિયાએ સ્થાપેલી કોબ્રા 2009માં નાણાકીય કટોકટીમાં ફસાઈ હતી. 240 લેણદારોના આશરે 70 મિલિયન પાઉન્ડના ઋણ સાથે તેનો અંકુશ વહીવટદારને અપાયો હતો. જોકે બિઝનેસને બચાવવાના પ્રયાસમાં બિલિમોરિયાએ અમેરિકન બ્રુઅરી જાયન્ટ મોલ્સન કૂર્સ સાથે વિવાદાસ્પદ ભાગીદારી કરી હતી. મોલ્સન કુર્સ કારલિંગ, ડૂમ બાર અને બ્લુ મૂન જેવી બ્રાન્ડ્સ માટે જાણીતી છે.
આ વ્યૂહરચના મુજબ સંયુક્ત સાહસની રચના થઈ હતી, જેમાં બિલિમોરિયાએ 49.9 ટકા હિસ્સો જાળવી રાખ્યો અને ચેરમેનની ભૂમિકા સ્વીકારી હતી. સંયુક્ત સાહસની સમજૂતી શરૂઆતમાં દસ વર્ષ માટે હતી, પરંતુ તેને મે 2019માં લંબાવવામાં આવી હતી. આ સમગ્ર સમયગાળા દરમિયાન બિલિમોરિયા ડિવિડન્ડની રકમ દ્વારા લેણદારોને ચૂકવણી કરવાની તેમની પ્રતિજ્ઞા જાળવી રાખી હતી. સિટીએએમના જણાવ્યા અનુસાર આ ઉદ્યોગપતિએ હવે લેણદારોને £72 મિલિયનના લેણામાંથી 99 ટકા રકમ પરત ચુકવી છે.
બિલિમોરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષોમાં કોબ્રાએ મજબૂત નફો કર્યો હતો. તેથી તેમને દેવું ચુકવવામાં અને કંપનીમાંથી એક્ઝિટ થવામાં મદદ મળી હતી. લેણદારોને તમામ રકમની ચુકવણીથી કોબ્રા બીયરને એક શાનદાર વારસો અને ભવિષ્ય મળ્યું છે.
મોલ્સન કૂર્સે કહ્યું હતું કે અમને બ્રાન્ડની સંપૂર્ણ માલિકી મેળવવાનો આનંદ થયો છે તથા કોબ્રા બ્રાન્ડના સ્થાપક લોર્ડ બિલિમોરિયા સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સુક છીએ.
બિલિમોરિયા 19 વર્ષના હતાં ત્યારે ભારતમાંથી બ્રિટન આવ્યાં હતાં. તેમને કેમ્બ્રિજમાં કાયદાનો અભ્યાસ કરતી વખતે કોબ્રા માટે આઇડિયા આવ્યો હતો. તેઓ એક એવી બ્રાન્ડ ડિઝાઇન કરવા માંગતા હતાં, કે જે ફૂડ સાથે પીવામાં સરળ હોય. પોતાની બિયર વિકસાવવા માટે તેમણે ભારતમાં બ્રુઅરીનો સાથે કરાર કર્યાં હતાં.
