લંડનને સતત 10મા વર્ષે વિશ્વના સર્વશ્રેષ્ઠ શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. બ્રિટનના પાટનગરે ન્યૂયોર્ક, પેરિસ અને ટોકિયો જેવા શહેરોથી આગળ પોતાનો ક્રમ જાળવી રાખ્યો હતો. રીઅલ એસ્ટેટ, પ્રવાસન અને આર્થિક વિકાસના વૈશ્વિક સલાહકાર- રેઝોનન્સ દ્વારા નક્કી કરવામાં આવેલા આ રેન્કિંગમાં એક મિલિયનથી વધુ વસતી ધરાવતા શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીના રીપોર્ટ મુજબ દર વર્ષે મૂલ્યાંકનના માપદંડોમાં ફેરફાર થતો હોવા છતાં પણ લંડન શરૂઆતથી રેન્કિંગમાં સતત અગ્રેસર હોય છે.
આ રેન્કિંગ એક શહેર તરીકે લંડનના વૈશ્વિક આકર્ષણને ઉજાગર કરે છે, જે સતત સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, મજબૂત બિઝનેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુણવત્તાયુક્ત અનોખી જીવનશૈલીને જોડે છે. આ વર્ષે રેન્કિંગ આપવા માટે પ્રથમવાર 30 દેશોમાંથી 22 હજારથી વધુ લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
આ મૂલ્યાંકનમાં કુદરતી અને કૃત્રિમ પર્યાવરણની ગુણવત્તા, સાંસ્કૃતિક જીવનશૈલી, ભોજન, નાઇટલાઇફ, શોપિંગ અને બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અન્ય પરિબળોની વિશાળ શ્રેણીને ધ્યાનમાં લેવામાં આવી હતી. આ ઉપરાંત રેંકિંગ માટે પ્રાદેશિક એરપોર્ટ કનેક્ટિવિટી અને યુનિવર્સિટીઓની ગુણવત્તાનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં તમામે 25થી 44 વર્ષની ઉંમરના રહેવાસીઓને આકર્ષવા સાથે મજબૂત સંબંધ દર્શાવ્યો છે.
રેઝોનન્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ ક્રિસ ફેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “લોકો આગળ વધી રહ્યા છે અને સ્થળાંતર કરી રહ્યા છે, આ વલણ કોરોના મહામારી દરમિયાન વિકસ્યુ હતું, કારણ કે લોકોએ માત્ર આર્થિક રીતે સસ્તા હોય તેવા સ્થાનો જ નહીં, પણ જ્યાં પ્રેમ-આવકાર મળે તેવી જગ્યાને શોધી હતી. આ પરિણામો દર્શાવે છે કે વિશ્વભરના લોકો વિશ્વના સૌથી મોટા શહેરોમાં રહેવા, ફરવા અને કામ કરવાની ઇચ્છા ધરાવે છે.”