ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરતાં લોકો સામે આકરી કાર્યવાહીની જોગવાઈ કરવા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025ને લોકસભાએ બુધવારે મંજૂરી આપી હતી. આ બિલની એક મહત્ત્વની જોગવાઈ એ છે કે ભારતમાં પ્રવેશવા, રહેવા કે બહાર નીકળવા માટે બનાવટી પાસપોર્ટ કે વિઝાનો ઉપયોગ કરનારા વ્યક્તિને સાત વર્ષ સુધીની જેલ અને દંડ બંને થશે. આ દંડની રકમ મહત્ત્વમ રૂ.10 લાખ છે. આ બિલમાં ભારતની મુલાકાત લેનારા દરેક વ્યક્તિ પર ચાંપતી નજર રાખવાની પણ જોગવાઈ છે.
આ બિલ પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે બિઝનેસ, શિક્ષણ અને રોકાણ માટે ભારતમાં આવતા વિદેશીઓનું સ્વાગત છે, પરંતુ જે લોકો દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરાશે. આ દેશ કોઇ ધર્મશાળા નથી.
આ બિલને ધ્વની મતથી લોકસભામાં પસાર કરાયું હતું. વિપક્ષે રજૂ કરેલા વિવિધ સુધારા નકારી કાઢવામાં આવ્યાં હતાં.
રોહિંગિયા અને બાંગ્લાદેશીઓને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવા બદલ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને કેન્દ્રની અગાઉની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે આવી ઘૂસણખોરી માટે સુરક્ષા દળોને દોષી ઠેરવવામાં આવે છે, પરંતુ ખરા ગુનેગારો પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર અને આસામમાં અગાઉની કોંગ્રેસ સરકાર છે. ભારતની બાંગ્લાદેશ સાથેની સરહદ 2,216 કિમી લાંબી છે, જેમાંથી 1,653 કિમી પર ફેન્સિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીના 563 કિમીમાંથી, ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે 112 કિમી પર વાડ કરવાનું શક્ય નથી. 412 કિમી પર ફેન્સિંગ બાકી છે, કારણ કે મમતા બેનર્જીની બંગાળ સરકાર જમીન આપી રહી નથી. સીમા પર વાડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષના કાર્યકરો આવે છે અને હોબાળો મચાવે છે.પકડાયેલા મોટાભાગના બાંગ્લાદેશીઓ પાસે 24 પરગણા (પશ્ચિમ બંગાળમાં)ના આધાર કાર્ડ અને મતદાર કાર્ડ છે. જો બંગાળ સરકાર આધાર કાર્ડ નહીં આપે તો પક્ષી પણ ઉડી શકશે નહીં. બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયની સાથે ઘૂસણખોરીની સમસ્યાનો અંત આવશે.
બિલને સંસદીય સમિતિને મોકલવાની વિપક્ષની માગણીને ફગાવી દેતા ગૃહ પ્રધાન જણાવ્યું હતું કે સભ્યો પાસે બિલ રજૂ થયા પછી અને ગુરુવારે તે વિચારણા માટે આવ્યું ત્યારે સૂચનો આપવા માટે પૂરતો સમય હતો.
વિપક્ષી સાંસદોએ દાવો કર્યો હતો કે ઇમિગ્રેશન અને વિદેશીઓ સંબંધિત વિવિધ સેવાઓને સુવ્યવસ્થિત કરવા માંગતા આ બિલની કેટલીક જોગવાઈઓ ઇમિગ્રેશન અધિકારીઓને મનસ્વી સત્તાઓ આપે છે. તેથી તેની વિગતવાર ચકાસણી માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવે.
વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત બાબતો માટે ભારતમાં હાલમાં કુલ ચાર કાયદા છે. તેમાં પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) ધારો, 1920, વિદેશીઓની નોંધણી ધારો, 1939, વિદેશીઓ ધારો, 1946 અને ઇમિગ્રેશન ધારો, 2000નો સમાવેશ થાય છે. નવું બિલ આ તમામ કાયદાને એકછત્ર નીચે લાવશે અને હાલના આ ચાર કાયદા રદ કરાશે. નવા બિલની જોગવાઈ મુજબ ભારતમાં પ્રવેશવા, રહેવા કે બહાર નીકળવા માટે બનાવટી પાસપોર્ટ કે વિઝાનો ઉપયોગ કરનારા વ્યક્તિને સાત વર્ષ સુધીની જેલ અને દંડ બંને થશે. આ દંડની રકમ મહત્ત્વમ રૂ.10 લાખ છે. આ ઉપરાંત શિક્ષણ સંસ્થાઓએ પણ વિદેશી અંગેની માહિતી સરકારને આપવી પડશે
