લોકસભાએ મંગળવારે ધ્વનિ મતથી બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2024ને મંજૂરી આપી હતી. આ સુધારા બિલમાં બેંક ખાતાધારકોને તેમના ખાતામાં ચાર નોમિની રાખવાની જોગવાઈ છે. આ બિલમાં ડાયરેક્ટરશિપ માટે ‘નોંધપાત્ર હિત’ની નવી વ્યાખ્યા કરાઈ છે અને તેને હાલના રૂ.5 લાખથી વધારીને રૂ.2 કરોડ સુધી કરવાની જોગવાઈ છે.
બિલ પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે થાપણદારો પાસે ક્રમિક અથવા એકસાથે નોમિનેશનની સુવિધાનો વિકલ્પ હશે, જ્યારે લોકર ધારકો પાસે માત્ર ક્રમિક નોમિનેશન હશે. સૂચિત સુધારાઓ બેંકિંગ ક્ષેત્રમાં ગવર્નન્સને મજબૂત બનાવશે તથા નોમિનેશન અને રોકાણકારોના રક્ષણના સંદર્ભમાં ગ્રાહકોની સુવિધામાં વધારો કરશે. 2014થી સરકાર અને આરબીઆઈ અત્યંત સાવચેત છે, જેથી બેંકો સ્થિર રહે. આપણી બેંકોને સુરક્ષિત, સ્થિર, સ્વસ્થ રાખવાનો હેતુ છે અને 10 વર્ષ પછી તમે પરિણામ જોઈ રહ્યા છો.
આ ખરડામાં સહકારી બેંકોમાં ડાયરેક્ટર્સ (ચેરમેન અને સંપૂર્ણ સમયના ડિરેક્ટર સિવાય)નો કાર્યકાળ 8 વર્ષથી વધારીને 10 વર્ષ કરવાની જોગવાઈ છે. બિલમાં સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરને રાજ્ય સહકારી બેંકના બોર્ડમાં સેવા આપવાની પણ મંજુરી અપાઈ છે. તેમાં ઓડિટરોને ચૂકવવામાં આવનાર મહેનતાણું નક્કી કરવામાં બેંકોને વધુ સ્વતંત્રતા આપવાની પણ જોગવાઈ છે.
આ બિલમાં દાવો ન કરેલા ડિવિડન્ડ, શેર અને તથા બોન્ડના વ્યાજ અથવા રિડેમ્પશનની રકમને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF)માં ટ્રાન્સફર કરવાની જોગવાઈ છે, જેથી રોકાણકારો તેના પર દાવો કરી શકશે. આમ રોકાણકારોના હિતોનું રક્ષણ થાય છે.