Preparing to launch remote voting facility in India
(ANI Photo)

ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. ચૂંટણીનું રિઝલ્ટ 18 ફેબ્રુઆરીએ આવશે. પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં અન્ય પછાત વર્ગો (OBC) માટેના 27 ટકા ક્વોટા પર આધારિત સ્થાનિક સંસ્થાઓની ગુજરાતમાં આ પ્રથમ ચૂંટણી છે. ચૂંટણી યોજાવાની છે તેવી તાલુકા પંચાયતોમાં કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. આ સાથે જ બોટાદ અને વાંકાનેર નગરપાલિકા માટે મધ્યસત્ર ચૂંટણી અને વિવિધ કારણોસર ખાલી પડેલી વિવિધ સ્થાનિક અને શહેરી સંસ્થાઓની 124 બેઠકોની પેટાચૂંટણી યોજાશે.

આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી કૃષ્ણએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે આજે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી રહી છે. ચૂંટણી માટેનું જાહેરનામું 27મી જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે અને ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ 1લી ફેબ્રુઆરી રહેશે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી છે. 16મી ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જો ક્યાંય પણ ફરી મતદાનની જરૂર પડશે, તો તે 17મી ફેબ્રુઆરીએ યોજાશે અને મત ગણતરી 18મી ફેબ્રુઆરીએ થશે. ચૂંટણી પ્રક્રિયા 21મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.

જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.

જે નગરપાલિકાઓ માટે ચૂંટણીઓ યોજાશે તેમાં બાવળા, સાણંદ, ધંધુકા, માણસા, મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા, વલ્લભ વિદ્યાનગર, બોરીયાવી, કરમસદ, આંકલાવ, ઓડ, લુણાડવા, સંતરામપુર, બાલાશિનોર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, હારીજ, ચાણસ્મા, રાધનપુર, ખેરાલુ, વિજાપુર, વડનગર, થરાદ, કરજણ, છોટા ઉદેપુર, ઝાલોદ, દેવગઢ બારીયા, કાલોલ હાલોલ, બીલીમોરા, વલસાડ, પારડી, ધરમપુર, સોનગઢ, જામજોધપુર, ધ્રોલ, કાલાવડ, સલાયા, દ્વારકા, ભાણવડ, બી. , માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ, કોડીનાર, રાપર, ભચાઉ, લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા, શિહોર, ગારીયાધાર, તળાજા, ગઢડા, બોટાદ, જસદણ, જેતપુર-નવાગઢ, ભાયાવદર, ઉપલેટા, હળવદ, વાંકાનેર, થાનગઢ, કુતિયાણા અને રાણાવાવનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY