ફાઇલ ફોટો (PTI Photo/Pawan Kumar)

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં ગુરુવારથી છેલ્લાં બે દિવસમાં આશરે 20 ઇંચ વરસાદ થતાં જનજીવનને અસર થઈ હતી. છેલ્લાં બે દિવસમાં રાજ્યના 108થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પોરબંદર જિલ્લામાં 32 કલાકમાં 18.50 ઈંચ જેટલો વરસાદ નોંધાતાં જળબંબાકારની જોવા મળી હતી. શુક્રવાર સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 13.7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પોરબંદર તાલુકામાં સવારે 6 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે 4.7 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો.

શુક્રવારે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 6.3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કેશોદ, વંથલી, ઉમરગાંવ, પોરબંદર અને વલસાડ તાલુકામાં પણ વરસાદ થયો હતો.

રાજકોટ-જુનાગઢ પંથકમાં ગુરૂવાર સાંજથી ખાબકી રહેલા અતિભારે વરસાદના લીધે લીલો દુકાળ સર્જાય તેવી શક્યતા ઊભી થઈ હતી. સૌરાષ્ટ્રના પંથકની નદીઓ અને ડેમમાં નવા નીરની આવક થતાં છલકાયા હતાં. સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી વધુ પોરબંદરમાં 18 ઈંચ, રાજકોટના ઉપટલેટામાં 15 ઇંચ, દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ, વેરાવળમાં 8 ઈંચ, જુનાગઢના વંથલીમાં 7 ઇંચ, સૂત્રાપાડામાં 6.6 ઈંચ, માણાવદરમાં 6.5 ઈંચ, કેશોદમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં રેલવે માર્ગ સહિત અનેક રસ્તાઓ બંધ થઇ ગયા હતાં.

જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે 25 જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા હતાં બીજી તરફ માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના પણ 8 સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. જુનાગઢ કલેક્ટર દ્વારા ટ્વીટ કરી પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર ન થવા સૂચના આપવામાં આવી હતી. રસ્તાઓ પર પાણી વળતાં અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો હતો.
વરસાદના કારણે ઉપરવાસના વિસ્તારોમાંથી પાણીની ભારે આવકના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક નાના ડેમોના દરવાજા ખોલવા પડ્યા હતાં.

LEAVE A REPLY