લેસ્ટર શહેરના બેલગ્રેવ રોડ પરના ગોલ્ડન માઇલ પર દર વર્ષે આયોજીત થતા લાઇટ્સ સ્વિચ-ઑન અને તે પછી દિવાળીના દિવસે યોજાતા આતશબાજી અને ફનફેર કાર્યક્રમને સીટી કાઉન્સિલ એક સાથે એક જ દિવસે યોજવાનું વિચારી રહી છે એમ લેસ્ટર સીટી મેયર સર પીટર સોલ્સબીએ જણાવ્યું છે.
આ બન્ને કાર્યક્રમોને અલગ અલગ દિવસે પાર પાડવા માટે ઓથોરિટીને કુલ £250,000નો ખર્ચ થાય છે. સિટી મેયર સર પીટર સોલ્સબીએ કહ્યું હતું કે કાઉન્સિલ જોડાયેલા લોકો સાથે ચર્ચામાં સામેલ છે અને તેમણે પુષ્ટિ કરી હતી કે આ વર્ષે રોશની સામાન્ય રીતે જ કરાશે. જો કે તેમણે કહ્યું હતું કે બે અલગ-અલગ ઇવેન્ટ થશે કે કેમ તે અંગે વાતચીત ચાલુ છે.
સર પીટરે કહ્યું હતું કે “હું સમજું છું કે સંકળાયેલા લોકો ખાસ કરીને દિવાળીના દિવસે તા. 1 નવેમ્બરે એક કાર્યક્રમ થાય તે જોવા માટે ઉત્સુક છે અને જો બલિદાન આપવું પડશે તો સ્વિચ-ઓન ઇવેન્ટ હશે. ભવિષ્યના વર્ષોમાં એક અથવા બંને ઇવેન્ટ્સ યોજવામાં સક્ષમ બનાવવા માટે સ્પોન્સરશિપ ફંડિંગને આકર્ષિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે.’’
કન્ઝર્વેટિવ સિટી કાઉન્સિલર અબ્દુલ ઓસ્માને કહ્યું: “દિવાળી લાઇટ્સ સ્વીચ-ઓન એ વિશ્વ વિખ્યાત ઇવેન્ટ છે જેમાં દરેક સમુદાયના હજારો લોકો હાજરી આપે છે. તે શહેરની અર્થવ્યવસ્થા માટે એક મોટું પ્રોત્સાહન છે જે જોતાં બંને કાર્યક્રમો થવા જ જોઈએ. અમે આ વર્ષે પહેલેથી જ કેરેબિયન કાર્નિવલ ગુમાવી ચૂક્યા છીએ અને અમે બીજો મોટો તહેવાર ગુમાવી શકીએ નહીં.”
દર વર્ષે હજારો લોકોને બેલગ્રેવમાં આકર્ષિત કરતી ખૂબ જ લોકપ્રિય ઉજવણીનું ભાવિ છેલ્લા સપ્ટેમ્બરથી હવામાં છે. આ અગાઉ સામાન્ય ચૂંટણીના ભાગરૂપે તહેવારના ભાવિનો રાજકીય સ્કોરિંગ પોઈન્ટ તરીકે પણ ઉપયોગ કરાયો હતો. જેમાં ભૂતપૂર્વ લેસ્ટર ઇસ્ટના સાંસદ અને 2024ના અપક્ષ ઉમેદવાર કીથ વાઝે સર પીટર પર દિવાળીના કાર્યક્રમો માટે “ફંડિંગ કાપવાનો” આરોપ મૂક્યો હતો. તો હાલના સાસંદ શિવાની રાજાએ પણ પીટીશન શરૂ કરી હતી.