કાશ્મીરના લડાખ વિસ્તારમાં શુક્રવારે (28 જુન) મોડી રાત્રે ભારતીય લશ્કરની કવાયત પછી એક ટેન્ક પાછી ફરી રહી હતી ત્યારે નદી પાર કરતી વેળાએ વરસાદના કારણે નદીના પ્રવાહમાં અચાનક વધારો થતાં અને અંધારાના કારણે સેના અધિકારી તેમજ સૈનિકોને તેના વિષે અંદાજ નહીં રહેતાં ટેન્ક પાણીમાં ડૂબી ગઈ હતી અને એક સેના અધિકારી તેમજ બીજા ચાર જવાનોના તણાઈ જવાથી મૃત્યુ નિપજ્યા હતા.

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ લડાખના પૂર્વમાં આવેલા સાસેર બ્રાંગસા ખાતે કવાયત પછી લશ્કરની ટેન્ક શ્યોક નદી પાર કરી રહી હતી ત્યારે એ વિસ્તારમાં ભારે વરસાદ પછી નદીના પ્રવાહમાં અચાનક એકદમ વધારો થયો હતો. મોડીરાત્રીનો સમય હોવાના કારણે ટેન્કમાં રહેલા અધિકારી તથા જવાનોને બહારની સ્થિતિનો અંદાજ નહીં રહેતા ટેન્ક ડૂબવા લાગી હતી અને અધિકારી તેમજ જવાનો તણાઈ ગયા હતા. દુર્ઘટના ચુશુલ વિસ્તારમાં નિયંત્રણ રેખાથી લગભગ 150 કિ.મી.ના અંતરે ભારતીય હદમાં બની હતી. બનાવની જાણ થતાં લેહના ફાયર એન્ડ ફયુરી 14 કોર્પ્સની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પણ નદીના ભારે પ્રવાહના કારણે જવાનોને બચાવી શકાયા નહોતા. મોડેથી તેમના મૃતદેહો મળી આવ્યા હતા.

LEAVE A REPLY