લિવરપૂલમાં યોજાયેલી લેબર પાર્ટી કોન્ફરન્સમાં વડા પ્રધાન તરીકેના પ્રથમ ભાષણમાં સર કેર સ્ટાર્મરે કમનસીબ ગફલત કરી ગાઝા બંધકોને પરત કરવા અને લેબનોન અને ઇઝરાયેલ વચ્ચેની સરહદ પર “સંયમ અને ડી-એસ્કેલેશન” માટે હાકલ કરી હતી.
તો બીજી તરફ સ્ટાર્મરે તમામ નિવૃત્ત સૈનિકો માટે ઘર પૂરા પાડવાનું વચન આપ્યું છે જેમને તેમની જરૂર છે. તેમણે પેન્શનરો માટે વિન્ટર ફ્યુઅલની ચૂકવણીમાં કાપનો બચાવ કરતા કહ્યું હતું કે “અમે જે નિર્ણયો લેવાના છે તેમાંથી ઘણા અપ્રિય હશે.
પીએમએ ગાઝામાં ‘તાત્કાલિક યુદ્ધવિરામ’ માટે વિનંતી કરતાં કહ્યું હતું કે ‘હું ફરીથી લેબનોન અને ઇઝરાયેલ વચ્ચે સંયમ અને ડી-એસ્કેલેશન માટે હાકલ કરું છું. હું ફરીથી તમામ પક્ષોને મોરચા પરથી પાછા ખેંચવા માટે કહુ છું. હું ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ, સોસેજીસને પરત કરવા… બંધકોને પરત કરવા અને માન્યતાપ્રાપ્ત પેલેસ્ટાઈન અને સુરક્ષિત ઈઝરાયલ માટે ફરીથી પ્રતિબદ્ધતા માટે હાકલ કરું છું.’’
તેમણે હોસ્ટેજીસને બદલે સોસેજીસ કહેતા હવે વિવાદ શરૂ થયો છે.
કાર્યકર્તાઓને તેમના પ્રથમ સંબોધનમાં વધુ સકારાત્મક સ્વર પ્રહાર કરતા સ્ટાર્મરે વિન્ટર ફ્યુઅલ, કરમાં વધારો વગેરેથી આગળ વધવા જણાવી કહ્યું હતું કે ‘’જો હવે યોગ્ય માર્ગ નક્કી કરવામાં આવે તો દેશ ‘ટનલના અંતે પ્રકાશ’ શોધી શકે છે. પણ ત્યાં કોઈ ‘સરળ જવાબો’ ઉપલબ્ધ નથી અને કાર્ય ‘અઘરું’ હશે. આ એક લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે, મેં ક્યારેય અન્યથા ડોળ કર્યો નથી. પરંતુ કોન્ફરન્સ કોઈ ભૂલ ન કરે, પરિવર્તનનું કામ શરૂ થઈ ગયું છે.’
પ્લાનિંગ સુધારાઓ, જુનિયર ડોકટરોની હડતાલનો અંત અને ગ્રેટ બ્રિટીશ એનર્જી માટે અમે કાર્ય કરી દીધું છે. તેમણે સૈનિકો ઉપરાંત કેર લીવર્સ અને ઘરેલું દુર્વ્યવહારના પીડિતોને રહેવા માટે ઘર આપવાની યોજનાઓની જાહેરાત કરી હતી. તેમણે વચન આપ્યું હતું કે એપ્રિલમાં 1989 ફૂટબોલ સ્ટેડિયમ દુર્ઘટનાની આગામી વર્ષગાંઠના સમય સુધીમાં સરકાર હિલ્સબરો કાયદો રજૂ કરશે.