યુકેના પ્રથમ મહિલા ચાન્સેલર ઑફ ધ એક્સચેકર, રશેલ રીવ્સે તા. 30ના રોજ બુધવારે સંસદમાં લેબરનું બજેટ નિવેદન રજૂ કર્યું હતું અને 40 બિલિયન પાઉન્ડ કરવેરા દ્વારા ઉઘરાવીને પાર્ટીએ સામાન્ય ચૂંટણી વખતે આપેલ “રીબિલ્ડ બ્રિટન” થીમ અને “રોકાણ, રોકાણ, રોકાણ”ની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.
રશેલ રીવ્સે એમ્પ્લોયર્સના નેશનલ ઇન્સ્યોરંશના યોગદાનમાં વધારો કરીને £25 બિલિયન પાઉન્ડ અને ઇનહેરિટન્સ અને કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરીને આ રકમ મેળવવી એ બજેટની મુખ્ય ઘોષણાઓ પૈકીની એક હતી.
રીવ્સે જણાવ્યું હતું કે ‘’આ બજેટ કામ કરતા લોકોના ખિસ્સામાં વધુ નાણાં મૂકવા માટે રચાયેલ છે. વિદેશી નાગરિકો માટે, નોન-ડોમિસાઇલ્ડ ટેક્સ સિસ્ટમમાં મુખ્ય ફેરફાર કરાશે જેનો અમલ એપ્રિલ 2025થી કરાશે અને તેને સ્થાને નવી રેસિડન્સ બેઝ્ડ સિસ્ટમ લવાશે. જેની વિગતો સમયસર સેટ કરવામાં આવશે.
રીવ્સે કહ્યું હતું કે “આ વર્ષે આપણી પબ્લિક ફાઇનાન્સની બાબતોમાં જે બ્લેક હોલ છે તે દર વર્ષે પુનરાવર્તિત થાય છે. વળતરની ચૂકવણી માટે તેમણે ભંડોળ પૂરું પાડ્યું નથી અને આપણી જાહેર સેવાઓનો સામનો કરી રહેલા પડકારોના સ્કેલનું મૂલ્યાંકન કરવામાં તેમની નિષ્ફળતાનો અર્થ છે કે આ બજેટમાં 40 બિલિયન પાઉન્ડ કરમાં વધારો કરીને ઉભા કરાશે. હું જાણું છું કે આ એક મુશ્કેલ પસંદગી છે. હું આ નિર્ણયને હળવાશથી લેતી નથી. વિરોધી પક્ષ આપણા દેશમાં નિષ્ફળ ગયો છે. તેમણે આપણી રાષ્ટ્રીય આરોગ્ય સેવાને તોડી નાખી છે. બ્રિટિશ લોકોને તેમની નિષ્ફળતા વારસામાં મળી છે. તેમણે મુશ્કેલ પસંદગીઓ કરવાનું ટાળવા માટે ચૂંટણી બોલાવી હતી.”
રીવ્સે અગાઉની કન્ઝર્વેટિવ સરકારને મુશ્કેલ આર્થિક પરિસ્થિતિને લેબર પર છોડવા માટે દોષી ઠેરવે છે.
બે વર્ષમાં રોજિંદા ખર્ચ માટે વધારાના 22.6 બિલિયન પાઉન્ડ અને મૂડી રોકાણ માટે 3.1 બિલિયન પાઉન્ડની પ્રતિજ્ઞા સાથે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી નેશનલ હેલ્થ સર્વિસ (NHS) સૌથી મોટા લાભાર્થીઓમાં સામેલ છે.
ચાન્સેલરે એવી પણ જાહેરાત કરી હતી કે આવકવેરાના થ્રેશોલ્ડ પરનું વર્તમાન ફ્રીઝ 2028-29માં સમાપ્ત થશે અને તે પછી ફુગાવાને અનુરૂપ તેને અપડેટ કરવામાં આવશે. અગાઉની ટોરી સરકારે થ્રેશોલ્ડને સ્થિર કરી દીધું હતું, જેનો અર્થ એ થયો કે વધુ લોકો ટેક્સના ઊંચા દરો ચૂકવે છે કારણ કે તેમનો પગાર વધતા તેઓ હાઇ ટેક્સ બેન્ડમાં જાય છે.
તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે સરકારે આર્થિક સ્થિરતા સુધારવા, વૃદ્ધિ લાવવા, જાહેર સેવાઓમાં રોકાણ કરવા અને કામ કરતા લોકોની સુરક્ષા માટે તેની સામાન્ય ચૂંટણી ઢંઢેરાની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે.
સુનકે, વચગાળાના વિપક્ષી નેતા તરીકેના પ્રવચનમાં વડા પ્રધાન કેર સ્ટાર્મરની આગેવાની હેઠળની સરકાર પર ચૂંટણી વચનોનો ભંગ કરવાનો આરોપ લગાવીને વળતો પ્રહાર કર્યો હતો.
ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવકવેરા, એમ્પલોઇ નેશનલ ઇન્સ્યોરંશ અને VAT સમાન રહેવાના કારણે કામ કરતા લોકોની પે-સ્લિપમાં કોઈ ફેરફાર થશે નહીં, અને માત્ર બિઝનેસીસ અને શ્રીમંત વર્ગો વધુ ચૂકવણી કરે તેવી અપેક્ષા રાખવામાં આવશે. બજેટ આગામી પાંચ વર્ષમાં 100 બિલિયન પાઉન્ડથી વધુનું જાહેર રોકાણ વધારીને બ્રિટનના પુનઃનિર્માણમાં મદદ કરશે, એમ તેણે જણાવ્યું હતું.
બજેટની કેટલીક માહિતી
પર્સનલ ટેક્સ
- કર્મચારીઓ દ્વારા ચૂકવવામાં આવતો આવકવેરો અને NI તથા VAT ના દરો યથાવત રહેશે
- ઈન્કમ ટેક્સ બેન્ડ થ્રેશોલ્ડ 2028 પછી ફુગાવાને અનુરૂપ વધશે.
- બેઝિક રેટ કેપિટલ ગેઈન્સ ટેક્સ શેર વેચવાથી થતા નફા પર 10%થી વધીને 18% થશે. જ્યારે હાયર રેટ દર 20% થી વધીને 24% સુધી વધશે.
- વધારાની મિલકતના વેચાણથી થતા નફા પરના દરો યથાવત રહશે.
- ઇનહેરિટન્સ ટેક્સ થ્રેશોલ્ડ ફ્રીઝને વધુ બે વર્ષ વધારીને 2030 સુધી લંબાવવામાં આવ્યું છે, જેમાં નહિં ખર્ચાયેલ પેન્શન પોટ્સ 2027થી કરને આધિન છે.
બિઝનેસ રેટ્સ
- કંપનીઓ એપ્રિલથી £5,000થી વધુના વેતન પર 15%ના દરે NI ચૂકવશે, £9,100થી વધુના પગાર પર 13.8%થી વધુ, વાર્ષિક વધારાના £25 બિલિયન ઉભા કરાશે.
- એમ્પલોયમેન્ટ ભથ્થુ – જે નાની કંપનીઓને તેમની NI જવાબદારી ઘટાડવા માટે મદદ કરે છે તે £5,000થી વધારીને £10,500 કરાયું.
- પ્રાઇવેટ ઇક્વિટી મેનેજરો દ્વારા ચૂકવાતો નફા પરનો ટેક્સ એપ્રિલથી 28%થી વધીને 32% સુધી થશે.
- £250,000થી વધુ કરપાત્ર નફા પરનો કોર્પોરેશન ટેક્સનો મુખ્ય દરઆગામી ચૂંટણી સુધી 25% પર રહેશે.
વેતન, બેનીફીટ અને પેન્શન
- નેશનલ લિવિંગ વેજ, 21 અને તેથી વધુ વયના કર્મચારીઓ માટે, £11.44 પ્રતિ કલાકથી વધીને £12.21 થશે. 18થી 20 વર્ષના લોકોનો પગાર £8.60 પ્રતિ કલાકથી વધીને £10 થશે. 16 અથવા 17 વર્ષની વયના લોકોનો પગાર £6.40 પ્રતિ કલાકથી વધીને £7.55 થશે. 19 વર્ષથી ઓછી ઉંમરના પાત્ર લોકોને મળતો એપ્રેન્ટિસ રેટ પ્રથમ વર્ષમાં 19 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે £6.40 પ્રતિ કલાકથી વધીને £7.55 થશે.
- “ટ્રિપલ લોક”ને કારણે આવતા વર્ષે બેઝીક અને નવી સ્ટેટ પેન્શન ચૂકવણીમાં 4.1% વધારો થશે.
- ફૂલ ટાઇમ કેરર્સની પ્રતિ અઠવાડિયે મહત્તમ કમાણીનો થ્રેશોલ્ડ £151 થી વધારીને £195 સુધી કરાયો.
ટ્રન્સપોર્ટ
- કન્ઝર્વેટિવ્સ દ્વારા લવાયેલ પેટ્રોલ અને ડીઝલ પરની ઇંધણ ડ્યુટીમાં 5pનો ઘટાડો બીજા વર્ષ માટે ચાલુ રાખવામાં આવ્યો છે.
- લંડનમાં સિંગલ બસનું ભાડું £1.75 અને ગ્રેટર માન્ચેસ્ટરમાં £2 રહેશે. જાન્યુઆરીથી ઈંગ્લેન્ડમાં સિંગલ બસ ભાડા પરની £2ની મર્યાદા વધારીને £3 થશે.
- સેન્ટ્રલ લંડનમાં યુસ્ટન સ્ટેશન સુધી HS2 હાઇ-સ્પીડ રેલ લાઇન લઈ જવા માટે ટનલિંગના કામ માટે ભંડોળ અપાશે.
- એર પેસેન્જર ડ્યુટી 2026માં વધશે. ટૂંકા અંતરની ઇકોનોમી ફ્લાઇટ્સ માટે £2 અને લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે £12, ખાનગી જેટ માટેના દરો 50% વધશે.
- ઈંગ્લેન્ડમાં ખાડાઓના સમારકામ માટે આવતા વર્ષે વધારાના £500 મિલિયન ફાળવવામાં આવશે.
- સૌથી વધુ કાર્યક્ષમ નવી પેટ્રોલ કાર સિવાયના કારો પર વાહન આબકારી જકાત તેમના પ્રથમ વર્ષમાં બમણી કરાશે.
મદ્યપાન અને ધૂમ્રપાન
- ઑક્ટોબર 2026થી વેપિંગ લિક્વિડના 10ml દીઠ £2.20નો નવો ફ્લેટ-રેટ ટેક્સ રજૂ કરાયો છે.
- તમાકુ પરનો વેરો ફુગાવા ઉપર 2% અને રોલીંગ ટોબાકો માટે ફુગાવા ઉપર 10% વધશે.
- નૉન-ડ્રૉટ આલ્કોહોલિક પીણાં પરનો ટેક્સ ફુગાવાના ઊંચા RPI માપથી વધશે, પરંતુ ડ્રાફ્ટ ડ્રિંક્સ પરના ટેક્સમાં 1.7% ઘટાડો થશે.
- સરકાર સોફ્ટ ડ્રિંક્સ પર સુગર ટેક્સ માટે થ્રેશોલ્ડની સમીક્ષા કરશે.
સરકારી ખર્ચ અને જાહેર સેવાઓ
- ઈંગ્લેન્ડમાં એનએચએસ અને શિક્ષણ પરનો દૈનિક ખર્ચ આ વર્ષે વાસ્તવિક દ્રષ્ટિએ 4.7% વધશે.
- આવતા વર્ષે સંરક્ષણ ખર્ચમાં £2.9 બિલિયનનો વધારો થશે.
- હોમ ઑફિસનું બજેટ આ વર્ષે 3.1% અને આવતા વર્ષે 3.3% ઘટશે.
- સ્થાનિક કાઉન્સિલ માટે આવતા વર્ષે £1.3 બિલિયન વધારાનું ભંડોળ અપાશે.
હાઉસિંગ
- સોસ્યલ હાઉસિંગ પ્રોવાઇડર્સને ભાડું વધારવાની મંજૂરી આપવામાં આવશે.
- રાઈટ ટુ બાય સ્કીમ હેઠળ સોશ્યલ હાઉસિંગના ભાડૂતોને મિલકત ખરીદવા પેટે મળતું ડિસ્કાઉન્ટ ઘટાડવામાં આવશે.
- ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં બીજા રહેણાંક ઘર – બાય ટુ લેટ રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટી ગુરુવારે 3%થી વધીને 5% થશે.
- આગામી એપ્રિલથી ઘર ખરીદનારા લોકોએ £125,000થી ઉપરના ઘર પર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે.
- પ્રથમ વખત ઘર ખરીદનારે હવે £300,000થી ઉપરના મકાન પર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે.
યુકેનો વિકાસ, ફુગાવો અને દેવું
- ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR)ની આગાહી મુજબ યુકેની અર્થવ્યવસ્થા આ વર્ષે 1.1%, આવતા વર્ષે 2% અને 2026માં 1.8% વધશે.
- ફુગાવો આ વર્ષે સરેરાશ 2.5% થશે. આવતા વર્ષે 2.6%, અને 2026માં ઘટીને 2.3% થવાની આગાહી છે.
- આ વર્ષે યુકેનું દેવુ £19.6 બીલિયન રહેશે અને આગામી પાંચ વર્ષમાં સરેરાશ £32.3 બીલિયનનો વધારો થશે.
ખાનગી શાળાઓની ફી વધશે
બહુચર્ચિત લેબર નીતિની ઔપચારિક જાહેરાત મુજબ 1 જાન્યુઆરી, 2025થી ખાનગી શાળાની ફીમાં 20%ના પ્રમાણભૂત દરે VAT ઉમેરવામાં આવશે.
એનો અર્થ એ કે ખાનગી શાળાઓમાં ભણતા બાળકોના વાલીઓએ વધારાની ચૂકવણી કરવી પડશે. જો કે વ્યક્તિગત શાળાઓના નિર્ણય પર આધારિત છે. પરંતુ બની શકે છે કે ફી વધારો ટાળવા વાલીઓ અગાઉથી ચૂકવણી કરી શકે છે.
યુનિવર્સલ ક્રેડિટમાં વધારો
ચાન્સેલરે પુષ્ટિ કરી છે કે એપ્રિલમાં ફુગાવાને અનુલક્ષીને લાભોમાં મળેલી રકમમાં 1.7%નો વધારો થશે.
70 લાખ લોકો (જેમાંથી 38% નોકરીમાં છે) દ્વારા આ યુનિવર્સલ ક્રેડિટનો લાભ લેવાય છે. 25 વર્ષથી ઓછી ઉંમરના એકલા વ્યક્તિ માટેનું પ્રમાણભૂત ભથ્થું દર મહિને £5.30 વધીને લગભગ £317 થવાની ધારણા છે. 25 વર્ષથી વધુ ઉંમરના યુગલને £10.50ના વધારા સાથે £628 પ્રતિ મહિને મળવાની શક્યતા છે. જો કે તે કુલ રકમ વ્યક્તિના સંજોગો પર નોંધપાત્ર રીતે આધાર રાખે છે.
આ ઉપરાંત આરોગ્ય અને વિકલાંગતાના લાભોની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. કેરર્સનો મહત્તમ કમાણીનો થ્રેશોલ્ડ £151થી વધારીને £195 પ્રતિ સપ્તાહ થશે. સ્ટેટ પેન્શનમાં એપ્રિલમાં 4.1% વધારો થશે.
સંપૂર્ણ, નવા ફ્લેટ-રેટ સ્ટેટ પેન્શન (એપ્રિલ 2016 પછી રાજ્ય પેન્શનની વય સુધી પહોંચેલા લોકો માટે) સપ્તાહમાં £230.25 સુધી વધવાની અપેક્ષા છે. તેનો અર્થ એ છે કે હવેની સરખામણીમાં વર્ષે £472નો વધારો થશે
સંપૂર્ણ, જૂનું મૂળભૂત રાજ્ય પેન્શન (એપ્રિલ 2016 પહેલાં રાજ્ય પેન્શનની વય સુધી પહોંચી ગયેલા લોકો માટે) સપ્તાહમાં £176.45 સુધી જવાની ધારણા છે – જે હવેની સરખામણીમાં વર્ષે £363નો વધારો છે.
પરંતુ ચાન્સેલરે અગાઉ જાહેરાત કરી છે તે મુજબ સરકારી કાપના પરિણામે લાખો પેન્શનરો તેમના વિંટર ફ્યુઅલનો લાભ ગુમાવશે, જેનું મૂલ્ય £300 સુધીનું છે.