કુલભૂષણ જાધવનો ફાઇલ ફોટો. (ANI Photo)

ઈરાનથી ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના અપહરણમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIને મદદ કરવાના એક આરોપીની શુક્રવારે રાત્રે અશાંત બલુચિસ્તાન ક્ષેત્રમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મુફ્તી શાહ મીર બલુચિસ્તાનના એક અગ્રણી ધાર્મિક વિદ્વાન હતો અને તે અગાઉ બે વખત જીવલેણ હુમલાના પ્રયાસોમાંથી બચી ગયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે રાત્રિની નમાજ પછી તુર્બતની એક સ્થાનિક મસ્જિદમાંથી બહાર નીકળતી વખતે મોટરસાયકલ પર સવાર બંદૂકધારીઓએ તેના પર હુમલો કર્યો હતો તથા પોઈન્ટ બ્લેન્ક રેન્જથી અનેક ગોળીબાર કર્યા હતાં. મીર કટ્ટરવાદી પક્ષ જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI)નો સભ્ય હતો જે એક વિદ્વાનની આડમાં શસ્ત્રો અને માનવ તસ્કરીનું કામ કરતો હતો. તે ISIની નજીક પણ હતો. ગયા અઠવાડિયે બલુચિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર ખુઝદારમાં મીરની પાર્ટીના બે અન્ય સભ્યોની પણ ગોળી મારી હત્યા કરાઈ હતી.

ભારતના નૌકાદળમાંથી વહેલી નિવૃત્તિ લીધા પછી ઈરાનના ચાબહારમાં બિઝનેસ ચાલુ કરનારા જાદવને 2017માં લશ્કરી અદાલતે જાસૂસીના આરોપમાં દોષિત ઠેરવી મૃત્યુદંડની કરી હતી.  ભારતે આ ચુકાદાની નિંદા કરી હતી અને ઇસ્લામાબાદ પર નિષ્પક્ષ ટ્રાયલ ન થવા દેવાનો આરોપ લગાવ્યો હતો. ૨૦૧૬માં ઈરાન-પાકિસ્તાન સરહદ નજીકથી જાદવનું અપહરણ કરાયું હતું અને જાદવને પાકિસ્તાની સેનાને સોંપવામાં આવ્યા હતા. તેઓ હાલમાં પાકિસ્તાનની જેલમાં છે.

LEAVE A REPLY