બ્રિટનમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ, સખાવતી સંસ્થાઓ અને ડાયસ્પોરા સંસ્થાઓએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડૉક્ટર પર કરાયેલા બળાત્કાર અને હત્યા બાદ ન્યાયની માંગણી સાથે જસ્ટીસ માર્ચ – પીસ વિજીલ સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

મહિલા સંગઠનોએ ગુરુવારે લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતેની મહાત્મા ગાંધીની પ્રતિમા અને યુકેના અન્ય શહેરોમાં પીસ વિજીલનું આયોજન કરવા એકસાથે આવી હતી. તો સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા – યુકે (SFI-UK) એ લિવરપૂલ શહેરમાં બુધવારે જસ્ટીસ માર્ચનું આયોજન કર્યું હતું.

લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે એકત્ર થયેલા સેંકડો લોકોએ “ન્યાય”ની માંગણી સાથે મીણબત્તીઓ પ્રગટાવી હતી અને મહિલાઓના સન્માન અને સશક્તિકરણ માટે આહવાન કરતા સંદેશાઓ સાથે પ્લેકાર્ડ બતાવ્યા હતા.

યુકે સ્થિત NHS ડૉક્ટર અને કોલકાતામાં તબીબ તરીકે તાલીમ લેનાર મેડિકોસ વિમેન ચેરિટીના ડૉ. દિપ્તી જૈને કહ્યું હતું કે “અમને સમગ્ર વિશ્વમાંથી જબરજસ્ત સમર્થન મળ્યું છે, જે સાબિત કરે છે કે જાગવાનો, ધ્યાન આપવાનો, અમારા વ્યક્તિગત હિતથી ઉપર ઉઠવાનો અને હેતુને સમર્થન અને એકતા દર્શાવવાના અમારા પ્રયાસમાં હાથ મિલાવવાનો સમય આવી ગયો છે. અમે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સના ઘણા શહેરોમાં દેખાવો યોજવા ઉપરાંત બેલફાસ્ટ અને ડબલિનમાં વિકેન્ડમાં અને યુ.એસ., કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં કાર્યક્રમો યોજનાર છીએ.”

આ અગાઉ, SFI-UK ના વિદ્યાર્થીઓએ લિવરપૂલના સીટી સેન્ટરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન – કૂચ કરી હતી. SFI-UK કાર્યકર અને લિવરપૂલ યુનિવર્સિટીના માસ્ટરના વિદ્યાર્થી, રૌનક ભટ્ટાચારીએ જણાવ્યું હતું કે ‘’કોલકાતાથી લિવરપૂલ સુધી અમે ન્યાય અને મહિલાઓની સુરક્ષા માટે ઊભા રહીશું. અમે જેમને ન્યાય નથી મળતો તેવી બળાત્કારનો ભોગ બનેલી પીડિતા સ્ત્રીઓ માટે ઉભા છીએ.”

SFI-UK સમિતિના સભ્ય રેન્યા રામક્રિષ્નને ઉમેર્યું હતું કે “આ માત્ર એક કેસની વાત નથી, તે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા, સંસ્થાઓની જવાબદારી અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ વિશે છે. અમે આ ભયાનક અપરાધ માટે જવાબદાર લોકો માટે તાત્કાલિક અને અનુકરણીય સજાની માંગણી કરીએ છીએ.”

LEAVE A REPLY