ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી રવિવારે અણનમ સદી સાથે પાકિસ્તાન ઉપરના વિજયમાં મુખ્ય શિલ્પી રહ્યો હતો, તો તેણે કેટલાક રેકોર્ડ પણ તોડ્યા હતા. તેમાંનો મુખ્ય રેકોર્ડ વન-ડે ઈન્ટરનેશનલ્સમાં સૌથી ઝડપી 14000 રન પુરા કરવાનો છે, જે તેણે 299મી મેચ અને 287મી ઈનિંગમાં કર્યા છે.
14 હજારથી વધુ રન વન-ડેમાં કરનારો પણ વિરાટ વિશ્વનો ફક્ત ત્રીજો બેટર છે, અગાઉ ભારતના જ સચિન તેંડુલકર અને શ્રીલંકાના કુમાર સંગાકારાએ એ આંકડો વટાવ્યો હતો. સચિને 350મી ઈનિંગમાં અને કુમાર સંગાકારાએ 378 ઈનિંગ્સમાં 14 હજાર વન-ડે રન કર્યા હતા.
વિરાટ કોહલી પાકિસ્તાન સામેની મેચમાં બે કેચ લીધા હતા અને તે ભારતનો સૌથી સફળ ફિલ્ડર પણ બની રહ્યો હતો. કોહલીએ રવિવારે વિકેટકીપર સિવાયના ફિલ્ડર્સનો 156 કેચનો અઝહરૂદ્દીનનો રેકોર્ડ તોડ્યો હતો અને 158 કેચ સાથે પ્રથમ ભારતીય ફિલ્ડર બન્યો હતો.
