બોલીવૂડનો કિંગ ખાન- શાહરૂખ પ્રથમવાર ભારતના બિલિયોનેર્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે. ભારતીય મનોરંજન ઉદ્યોગના બાઝિગર શાહરૂખ ખાનને રૂ. 7300 કરોડની સંપત્તિ સાથે પ્રથમવાર હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024માં સ્થાન મળ્યું છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં પોતાની ભાગીદારીને કારણે આ યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.
આ રિચ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, જુહી ચાવલા અને ફેમિલી, કરણ જોહર અને રિતિક રોશનને પણ પ્રથમવાર સ્થાન મળ્યું છે.હુરુન ઈન્ડિયાના મતે, વિશ્વના સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગમાંથી આ વખતે જે લોકો યાદીમાં સામેલ થયા છે, તેઓ માત્ર અભિનય દ્વારા જ નહીં પરંતુ પોતાના પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક 58 વર્ષીય શાહરૂખ ખાન પહેલીવાર આ યાદીમાં સામેલ થયા છે અને તેમની કુલ સંપત્તિ 7300 કરોડ રૂપિયા છે. તેમના પ્રોડક્શન હાઉસે ઘણી મોટી અને સફળ ફિલ્મો બનાવી છે. હુરુન ઈન્ડિયાએ કહ્યું કે, IPL ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને કારણે શાહરૂખ ખાનની સંપત્તિમાં પણ વધારો થયો છે, જે એક સફળ ફ્રેન્ચાઈઝી છે.
હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે આ અંગે કહ્યું હતું કે, ક્રિકેટ અને ફિલ્મો ભારતીયોના દિલમાં વસે છે. આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં હોલ્ડિંગ વેલ્યુને કારણે શાહરૂખ ખાનને પ્રથમવાર આ રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. જુનૈદે વધુમાં કહ્યું કે, મનોરંજન ઉદ્યોગના સાત લોકોએ, જેમને પહેલીવાર હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમણે તેમની સંપત્તિમાં એક વર્ષમાં 40,500 કરોડનો વધારો કર્યો છે.