બ્રિટિશ મીડિયાના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાની મેજબાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી આ રાજવી દંપતી આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાનું વિચારે છે. બ્રિટનનું સામ્રાજ્ય સંભાળ્યા પછી કિંગની ભારતની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. બ્રિટનની ફોરેન ઓફિસે આ મુલાકાત અંગે અધિકારીઓને ભારત અને અન્ય સંભવિત યજમાન રાષ્ટ્રો સાથે ચર્ચા શરૂ કરવા માટે અધિકૃત કર્યા હોવાનું કહેવાય છે.
અખબારી રીપોર્ટમાં એક સૂત્રના જણાવ્યા મુજબ, “કિંગ ચાર્લ્સ અને ક્વીન માટે આ પ્રકારની યોજના બનાવવી એ ખૂબ જ પ્રોત્સાહક વાત છે, કારણ કે તેઓ આ વર્ષે ખૂબ જ વ્યસ્ત છે. તેઓ ભારતીય ઉપખંડનો પ્રવાસ પણ ખેડશે, જે વૈશ્વિક મંચ પર બ્રિટન માટે વિશાળ રાજકીય અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતો હશે. આવા સમયે કિંગ અને ક્વીન કેમિલા દેશના યોગ્ય એમ્બેસેડર્સ છે. તેઓ આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાન અને બાંગ્લાદેશની પણ મુલાકાત લે તેવી સંભાવના છે, તેઓ સપ્ટેમ્બર 2022માં ક્વીન એલિઝાબેથનાં નિધનને પગલે ત્યાં જઇ શક્યા નહોતા. ગત ઓક્ટોબરમાં, કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા સારવાર માટે બેંગલુરુની અંગત મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓ ચાર દિવસ રોકાયા હતા. રાજવી પરિવારના એક સૂત્રે ન્યૂઝ એજન્સી- રોયટર્સને જણાવ્યું હતું કે, બેંગલુરુનું આ રોકાણ તેમની બીમારી સંબંધિત નહોતું, પરંતુ સમોઆમાં કોમનવેલ્થ સરકારના વડાઓની મીટિંગમાંથી પરત આવતી વખતે તેમને આરામ કરવા જણાવવામાં આવ્યું હતું. વેલ્સના પ્રિન્સ તરીકે, ચાર્લ્સ 2006માં કેમિલા સાથે એક અઠવાડિયા માટે પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. તેમણે શુભેચ્છકોને જણાવ્યું હતું કે, “તમારા સુધી પહોંચવામાં મને લગભગ 58 વર્ષ થયા છે અને હું તમને કહી શકું છું કે, આ પ્રયત્ન કરવાની અનિચ્છાના કારણે નથી થયું.”

LEAVE A REPLY