કેબિનેટ ઓફિસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ HM ધ કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટ 2024માં સમગ્ર યુકેમાંથી 1,000થી વધુ લોકોને વિવિધ સન્માન એનાયત કરાયા હતા. સન્માનિત વ્યક્તિઓએ દેશભરના લોકોના જીવન પર અમાપ અસર કરી છે અને જાહેર જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવ્યા છે.
સન્માન મેળવનારા લોકોમાં ઘણા સક્રિય કોમ્યુનિટી ચેમ્પિયન, નવીન સામાજિક સાહસિકો, અગ્રણી વૈજ્ઞાનિકો, પ્રખર હેલ્થ વર્કર્સ અને સમર્પિત સ્વયંસેવકો છે.
જસ્ટિસ ફોર સબપોસ્ટમાસ્ટર્સ એલાયન્સના સ્થાપક એલન બેટ્સને ન્યાય માટેની સેવાઓ માટે નાઈટહૂડ અને ટ્રેસી એમિનને કલાની સેવાઓ માટે ડીબીઇ તો ઇમેલ્ડા સ્ટૉન્ટનને ડ્રામા અને ચેરિટી માટેની સેવાઓ માટે સન્માન અપાયું છે.
સૂચિમાં સૌથી નાની વયના એવોર્ડ વિજેતા શમઝા બટ્ટ 20 વર્ષની છે જેમને યુથ વોઈસ ફોરમના સભ્ય તરીકે તેમના કામ માટે BEM અપાયો છે. તો હેરોલ્ડ જોન્સ સૌથી વૃદ્ધ – 100 વર્ષના છે, જેમને મોટર ન્યુરોન ડિસીઝ અને સટન કોલ્ડફિલ્ડમાં સમુદાયને લગતી ચેરિટી માટે ભંડોળ ઊભુ કરવા બદલ BEM અપાયો છે.
આ સન્માન માટે યુકેના તમામ સમાજને સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરાય છે. આ વર્ષે એવોર્ડ મેળવનાર 1,077 લોકોમાંથી BEM માટે 301; MBE માટે 429 અને OBE માટે 223 ઉમેદવારોની પસંદગી કરાઇ છે. 692 (64%) લોકોએ તેમના સમુદાયોમાં સ્વૈચ્છિક અથવા પગાર લઇને ઉત્કૃષ્ટ કાર્ય હાથ ધર્યું છે. 713 (66%) લોકો લંડન અને સાઉથ ઇસ્ટની બહાર રહે છે.
સન્માન મેળવનારામાં 509 મહિલાઓ છે, જે કુલ મહિલાઓના 48%નું પ્રતિનિધિત્વ કરે છે. CBE સ્તર અને તેનાથી ઉપરના લોકોમાં 40% મહિલાઓ છે; 10% સફળ ઉમેદવારો વંશીય લઘુમતીના છે; 4.6% લોકો એશિયન વંશીય – 3% શ્યામ વંશીય અને 1.6% મિશ્ર વંશીય પૃષ્ઠભૂમિના છે.