સ્પોર્ટસ મંત્રાલયે ડબલ ઓલિમ્પિક-મેડલિસ્ટ મનુ ભાકર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓનું મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માન કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. 32 અર્જુન પુરસ્કારોની પણ જાહેરાત કરાઈ હતી, જેમાં પેરિસ પેરાલિમ્પિક્સમાં સફળતા બદલ અભૂતપૂર્વ 17 પેરા-એથ્લેટ્સનું નામ છે.
2024 માટે અન્ય બે ખેલ રત્ન એવોર્ડ વિજેતાઓમાં પુરૂષ હોકીના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા-એથ્લેટ પ્રવીણ કુમારનો સમાવેશ થાય છે. 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખેલાડીઓને એવોર્ડ એનાયત કરશે.
22 વર્ષીય મનુ ભાકર બે ઓલિમ્પિક મેડલ મેડનાર ભારતની પ્રથમ એથ્લીટ્સ છે. ભાકરની ખેલ રત્ન માટે અવગણ કરાઈ હોવાના અહેવાલ આવ્યાના થોડા દિવસો પછી આ જાહેરાત થઈ હતી. શૂટરે બાદમાં સ્વીકાર્યું હતું કે નોમિનેશન ફાઇલ કરતી વખતે તેનાથી કોઈ ક્ષતિ રહી હશે.
18 વર્ષીય ગુકેશ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો હતો. તેને ગયા વર્ષે ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમને ઐતિહાસિક ગોલ્ડ જીતવામાં પણ મદદ કરી હતી. પેરા હાઈ-જમ્પર પ્રવીણને પેરિસ પેરાલિમ્પિક્સમાં T64 ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
ખેલ રત્ન પુરસ્કાર મેળવનારને પ્રશસ્તિપત્ર અને મેડલિયન સાથે 25 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. અર્જુન પુરસ્કાર વિજેતાઓને 15 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર, અર્જુનની પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
આ વર્ષના અર્જૂન એવોર્ડ વિજેતામાં કુસ્તીબાજ અમન સેહરાવત, શૂટર્સ સ્વપ્નિલ કુસાલે અને સરબજોત સિંહ અને પુરુષોની હોકી ટીમના ખેલાડીઓ જરમનપ્રીત સિંહ, સુખજીત સિંહ, સંજય અને અભિષેકનો સમાવેશ થાય છે.