રાષ્ટ્રવ્યાપી હિંસક દેખાવો પછી કેન્યાના પ્રેસિડન્ટ વિલિયમ રૂટોએ બુધવારે કરવેરામાં સૂચિત વધારો પાછો ખેંચી લીધો હતો. રૂટોની આ જાહેરાતને યુવાન આંદોલનકારીઓની મોટી જીત માનવામાં આવે છે. કરવેરામાં વધારાની દરખાસ્તનો વિરોધ કરવા માટે ખાસ કરીને યુવાનોએ ગયા સપ્તાહે આંદોલન ચાલુ કર્યું હતું અને મંગળવારે છેક સંસદ સુધી પહોંચ્યા હતાં. સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં ઓછામાં 23 લોકોના મોત થયા હતાં અને અનેક ઘાયલ થયાં હતાં.
પ્રેસિડન્ટ ઝુક્યા હોવા છતાં દેખાવકારોએ ગુરુવારે તેમની રેલીની કાર્યક્રમમાં આગળ વધવાની તૈયારી ચાલુ કરી હતી. કેટલાક દેખાવકારોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રુટોએ પીછેહટ કરી હોવા છતાં તેઓ ગુરુવારે આયોજિત રેલી સાથે આગળ વધશે. ઘણા દેખાવકારો હવે રૂટોના રાજીનામાની માગણી કરી રહ્યાં છે.
ટેલિવિઝન સંબોધનમાં રુટોએ જાહેરાત કરી હતી કે તેઓ ટેક્સ વધારા સહિતના ફાઇનાન્સ બિલ પર હસ્તાક્ષર કરશે નહીં અને તેને પાછું ખેંચી લેવામાં આવશે. વાઇસ પ્રેસિડેન્ટ રિગાથી ગચાગુઆએ યુવાનોને વધુ કોઈ જાનહાનિ અને સંપત્તિના વિનાશને ટાળવા માટે વિરોધને બંધ કરવાની અપીલ કરી હતી. રૂટોએ યુવાનો સાથે વાતચીત કરવાની અને કરકસરના પગલાં લેવાની પણ જાહેરાત કરી હતી.
વિરોધમાં સામેલ અગ્રણી સામાજિક ન્યાય કાર્યકર્તા બોનિફેસ મવાંગીએ “1-મિલિયન-લોકોની કૂચ” માટે હાકલ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે “અહંકાર દૂર થઈ ગયો છે, પરંતુ જુઠ્ઠાણા હજુ પણ ચાલુ છે. ગઈકાલે તેઓએ શાંતિપૂર્ણ દેખાવકારોને મારવા માટે ગુંડાઓ અને પોલીસને છૂટોદોર આપ્યો હતો. તેઓ અમને અટકાવી શકશે નહીં.
વરિષ્ઠ વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ કાલોન્ઝો મુસ્યોકાએ X પર લખ્યું હતું કે બિલ પાછું ખેંચવાનો નિર્ણય પૂરતો નથી અને રુટોને રાજીનામું આપવું જોઇએ.