ન્યૂયોર્કની કોર્ટમાં ગૌતમ અદાણી સામે કથિત લાંચ અને ફ્રોડના આરોપ મૂકવામાં આવ્યા પછી ગુરુવારે કેન્યા સરકારે અદાણી ગ્રૂપ સાથેના તેના 2.6 બિલિયન ડોલરના એરપોર્ટ અને એનર્જી સોદો રદ કર્યો હતો
કેન્યાના પ્રેસિડન્ટ વિલિયમ રુટોએ જણાવ્યું હતું કે અમારી તપાસ એજન્સીઓ અને ભાગીદાર રાષ્ટ્રો દ્વારા પૂરી પાડવામાં આવેલ નવી માહિતીના આધારે આ ડીલ્સ રદ કરાઈ છે. અદાણી જૂથ કેન્યાની સરકાર સાથે નૈરોબીમાં તેના મુખ્ય એરપોર્ટને આધુનિક બનાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયામાં હતું. જેમાં વધારાના રનવે અને ટર્મિનલના નિર્માણનો સમાવેશ થતો હતો.
આના બદલામાં અદાણી જૂથને 30 વર્ષ સુધી એરપોર્ટના સંચાલન હક મળતો હતો. અદાણી સાથેના આ સોદાનો કેન્યામાં ભારે વિરોધ થયો હતો અને એરપોર્ટ કામદારોએ હડતાલ પાડી હતી.
કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ જણાવ્યું હતું કે તેમણે સંબંધિત એજન્સીઓને નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) અને સરકારી માલિકીની વીજળી સેવા સંબંધિત ચાલી રહેલી પ્રાપ્તિ પ્રક્રિયાને “તત્કાલ રદ” કરવા આદેશ આપ્યો છે.
રુટોએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ 30-વર્ષનો એક અલગ $736-મિલિયન પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ ડીલ રદ કરી રહ્યા છે કે જે અદાણી ગ્રૂપની કંપનીએ પાવર ટ્રાન્સમિશન લાઇન બાંધવા માટે ગયા મહિને ઊર્જા મંત્રાલય સાથે હસ્તાક્ષર કર્યા હતાં. મેં પરિવહન મંત્રાલય તથા ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રાલયની એજન્સીઓને ચાલુ ખરીદીને તાત્કાલિક રદ કરવા માટે નિર્દેશ આપ્યો છે.
રુટોની જાહેરાતને સંસદમાં સાંસદોએ તાળીઓના ગડગડાટ અને ઉત્સાહથી વધાવી લીધી હતી. પારદર્શિતાના અભાવ અને મૂલ્યની ચિંતાને લઈને ઘણા રાજકારણીઓ અને જનતાના સભ્યોએ દ્વારા આ સોદાઓની તીવ્ર ટીકા થઈ છે.