બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ કરવા માટે કેમી બેડેનોકની તા. 2 નવેમ્બરના રોજ વરણી કરવામાં આવી હતી. તેઓ આ પદે બિરાજનાર પ્રથમ અશ્વેત મહિલા બન્યા છે અને તેમણે હાઉસ ઓફ કોમન્સમાં ઋષિ સુનકના સ્થાને વિરોધ પક્ષના નેતા તરીકે પદ સંભાળ્યું હતું. 44 વર્ષીય નાઇજિરિયન-હેરિટેજ સાંસદે સુનકના રાજીનામા બાદ ત્રણ મહિના ચાલેલી નેતૃત્વની ચૂંટણીમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રોબર્ટ જેનરિકને હરાવ્યા હતા.
બેડેનોક વિપક્ષના સત્તાવાર નેતા બનશે અને પરંપરાગત વડાપ્રધાનના પ્રશ્નો માટે દર બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં લેબરના નેતા કેર સ્ટાર્મર સામે મુકાબલો કરશે.
શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ કેમીએ તેમના પુરોગામીનો આભાર માનતા પોતાના સ્વીકૃતિ ભાષણમાં કહ્યું હતું કે “હું ઋષિનો આભાર માનવા માંગુ છું, આવા મુશ્કેલ સમયમાં આનાથી વધુ મહેનત કોઈ કરી શક્યું ન હોત. ઋષિ, તમે જે કર્યું તે બદલ આભાર. અમે બધા તમને અને તમારા અદ્ભુત પરિવારને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ.”
તેમણે કહ્યુ હતું કે “આપણો પક્ષ આપણા દેશની સફળતા માટે નિર્ણાયક છે. પરંતુ સાંભળવા માટે, આપણે પ્રામાણિક હોવું જોઈએ કે આપણે ભૂલો કરી છે, તે હકીકત વિશે પ્રમાણિક હોવું જોઈએ કે આપણે ધોરણોને સરકી જવા દીધા હતાં. સત્ય કહેવાનો સમય આવી ગયો છે. આપણા સિદ્ધાંતો માટે ઉભા થવા માટે, આપણા ભવિષ્ય માટે યોજના ઘડવા માટે, આપણી રાજનીતિ અને આપણી વિચારસરણીને પુનઃસ્થાપિત કરવા માટે, અને આપણા પક્ષને અને આપણા દેશને નવી શરૂઆત આપવા માટે જે માટે તેઓ લાયક છે, તે બિઝનેસમાં ઉતરવાનો સમય છે નવીકરણ કરો.”
તેમણે 2029માં યોજાનારી આગામી ચૂંટણી માટે સમયસર પાર્ટીને સરકાર માટે તૈયાર કરવાનું વચન આપ્યું હતું.
સુનકે પોતાનો ટેકો જાહેર કરતા સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે “કેમી બેડેનોકને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. હું જાણું છું કે તે અમારી મહાન પાર્ટીની શાનદાર નેતા હશે. તેઓ અમારી પાર્ટીનું નવીકરણ કરશે, રૂઢિચુસ્ત મૂલ્યો માટે ઊભા થશે અને લડાઈને લેબર તરફ લઈ જશે. ચાલો તેની પાછળ એક થઈએ.”
વડા પ્રધાન કેર સ્ટાર્મરે નવા વિપક્ષી નેતાને અભિનંદન પાઠવ્યા હતા અને દેશ માટે ગૌરવની ક્ષણ તરીકે “વેસ્ટમિન્સ્ટર પાર્ટીના પ્રથમ અશ્વેત નેતા” તરીકે તેમનું સ્વાગત કરતાં કહ્યું હતું કે “હું બ્રિટિશ લોકોના હિતમાં તમારી અને તમારી પાર્ટી સાથે કામ કરવા આતુર છું.”
વિવિધ તબક્કાવાર ચૂંટણી પ્રક્રિયા બાદ લીડરશીપ રેસમાં માત્ર બે ફાઇનલિસ્ટ રહ્યાં હતાં. બેડેનોકે 53,806 મત સાથે કુલ 57 ટકા મતો મેળવ્યા હતા અને રોબર્ટ જેનરિકને 41,388 મત મળ્યા હતા. આ માટે છેલ્લા મહિનામાં ઓનલાઈન અને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાયું હતું.
બેકબેન્ચ સાંસદોની પ્રભાવશાળી ટોરી 1922 સમિતિના અધ્યક્ષ બોબ બ્લેકમેને રિટર્નિંગ ઓફિસર તરીકે લંડનમાં પરિણામ જાહેર કરતા કહ્યું હતું કે “બીજી વખત ગ્લાસ સીલીંગ તૂટી ગઈ છે.” ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 131,680 પાત્ર મતદારોના 72.8 ટકા લોકોએ મતદાન કર્યું હતું.
બેડેનોક, નોર્થ વેસ્ટ એસેક્સના સંસદસભ્ય છે અને તેમણે 2022માં પણ ટોરી લીડરશીપ રેસમાં ભાગ લીધો ત્યારથી તે ટોરી સભ્યોમાં લોકપ્રિય છે.
બેડેનોકે ટોરી નેતૃત્વ અભિયાન દરમિયાન સંકેત આપ્યો હતો કે તેઓ અગાઉ બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોને ભારતની વધુ વિઝાની માંગ પર અવરોધિત કરી હતી.
બંને ઉમેદવારોએ ઝુંબેશ દરમિયાન ઇમિગ્રેશનને સ્પોટલાઇટમાં રાખ્યું હતું. જેનરિકે ભારતને એવા દેશોમાંના એક તરીકે ગણાવ્યું હતું કે જ્યાં સુધી ભારત ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશેલા તેના નાગરિકોને પરત ન લે ત્યાં સુધી તમામ કેટેગરીમાં સખત વિઝા પ્રતિબંધોને આધિન થવું જોઈએ. તો બેડેનોકે દેશની શેરીઓમાં અશાંતિ ફેલાવવા માટે ભારતમાંથી તેમના વિવાદો લાવતા નવા ઇમીગ્રન્ટ્સની નિંદા કરી હતી.
બેડનોક લંડનમાં જન્મ્યા હતા જણ તેના નાઇજિરિયન પિતા અને માતા દ્વારા 16 વર્ષ સુધી નાઇજિરીયામાં ઉછેર કરાયો હતો.