શરાબ કૌભાંડ સંબંધિત કેસમાં શરતી જામીન મેળવીને છ મહિના પછી જેલમાંથી બહાર આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવાર, 15 સપ્ટેમ્બરે આગામી બે દિવસમાં મુખ્યપ્રધાન તરીકેથી રાજીનામું આપવાની અચાનક જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ મુખ્યપ્રધાન કાર્યાલયમાં ન જવાની અને કોઇ સત્તાવાર ફાઇલ પર હસ્તાક્ષર ન કરવાની શરતો રાખી હતી, તેથી સુપ્રીમે કેજરીવાલેને જામીન આપ્યા હતાં, પરંતુ મુખ્યપ્રધાનને જામીન આપ્યા ન હતાં. આ ઉપરાંત આગામી વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેથી ઘણા રાજકીય નિરીક્ષકો કેજરીવાલની આ જાહેરાતને માસ્ટરસ્ટ્રોક માને છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે “બે દિવસ પછી હું મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપીશ. જ્યાં સુધી લોકો તેમનો ચુકાદો જાહેર નહીં કરે ત્યાં સુધી હું તે ખુરશી પર બેસીશ નહીં. દિલ્હીમાં ચૂંટણીને થોડા મહિનાઓ બાકી છે. મને અદાલતમાંથી ન્યાય મળ્યો, હવે હું જનતાની અદાલતમાંથી ન્યાય મેળવીશ. હું લોકોના આદેશ પછી જ મુખ્યપ્રધાનની ખુરશી પર બેસીશ. હું દિલ્હીના લોકોને પૂછવા માંગુ છું, કેજરીવાલ નિર્દોષ છે કે દોષિત? જો મેં કામ કર્યું હોય, તો મને મત આપો.નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવા માટે આગામી બે દિવસમાં AAP ધારાસભ્યોની બેઠક યોજવામાં આવશે.
આમ આદમી પાર્ટી (AAP)ના નેતાએ કહ્યું હતું કેજરીવાલના રાજીનામા પછી પાર્ટીના એક સભ્યને મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. કેજરીવાલે માગણી કરી હતી કે રાષ્ટ્રીય રાજધાનીમાં ફેબ્રુઆરીમાં સુનિશ્ચિત થયેલ ચૂંટણીઓ મહારાષ્ટ્રની ચૂંટણીની સાથે નવેમ્બરમાં યોજવામાં આવે.
AAP કાર્યકર્તાઓને તેમના સંબોધનમાં કેજરીવાલે નરેન્દ્ર મોદી સરકાર સામે પ્રહારો કર્યા હતાં અને કહ્યું હતું કે મોદી સરકાર બ્રિટિશ સરકાર કરતાં વધુ તાનાશાહી છે.