Britain's King Charles talks with Sir Keir Starmer during an audience at Buckingham Palace, where he invited the leader of the Labour Party to become Prime Minister and form a new government following the landslide General Election victory for the Labour Party, London, Britain, July 5, 2024. Yui Mok/POOL via REUTERS TPX IMAGES OF THE DAY

તા. 4 જુલાઇના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં લેબર પાર્ટીએ 211 બેઠકોની જાજરમાન બહુમતી સાથે કુલ 412 બેઠકો મેળવ્યા બાદ 61 વર્ષના સર કેર સ્ટાર્મરે તા. 5 જુલાઇના રોજ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યુકેના 58માં વડા પ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને બ્રિટનનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. બીજી તરફ ભારતીય મૂળના વડા પ્રધાન ઋષી સુનકે કન્ઝર્વેટિવ પાર્ટીની ઈતિહાસમાં થયેલી સૌથી ખરાબ ચૂંટણી હાર પછી વડા પ્રધાન સુનક રાજા ચાર્લ્સ ત્રીજાને મળ્યા હતા અને વડા પ્રધાન તરીકે તથા કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામુ આપી દીધું હતુ.

માહારાજા તરફથી લેબર નેતા સર કેર સ્ટાર્મરને સત્તાનું સુકાન સંભાળી લેવા નિમંત્રણ મળતા કેર સ્ટાર્મર બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ IIIને મળ્યા હતા. જ્યાં રાજાએ તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યુ હતું.

કન્ઝર્વેટિવ સરકારના 14 વર્ષના લગાતાર શાસન પછી, લેબરે 650 સભ્યોની હાઉસ ઓફ કોમન્સ – સામાન્ય ચૂંટણીમાં ભારે જીત મેળવી છે. લેબરે 211 બેઠકોના વધારા સાથે કુલ 412 બેઠકો મેળવી છે. જ્યારે કન્ઝેર્વેટિવ્સે 250 બેઠકોના નુકશાન સાથે 121 બેઠકો મેળવી હતી. લેબરનો વોટ શેર 33.7 ટકા હતો જ્યારે કન્ઝર્વેટિવનો 23.7 ટકા હતો. લિબરલ ડેમોક્રેટે 63 વધુ બેઠકોના ફાયદા સાથે કુલ 71 બેઠકો પર વિજય મેળવ્યો છે. સ્કોટીશ નેશનાલીસ્ટ પાર્ટીના સ્કોટલેન્ડમાં ટોરી જેવા જ બુરા હાલ થયા છે અને તેમણે 38 બેઠકો ગુમાવવા સાથે માત્ર 8 બેઠકો જ મેળવી હતી. નોર્ધર્ન આર્યલેન્ડની શીન ફેઇને પોતાની 7 બેઠકો જાળવી રાખી છે. અન્ય પક્ષો અને અપક્ષોને કુલ 28 બેઠકો મળી છે.

લંડનમાં હોલબર્ન અને સેન્ટ પેનક્રાસની પોતાની સીટ 18,884 મતો સાથે જીતનાર લેબર નેતા સર કેર સ્ટાર્મરે તા. 5ના રોજ લેન્ડસ્લાઇડ વિજય બાદ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન તરીકે તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે વિજય પ્રવચનમાં જણાવ્યું હતું કે “આપણા દેશે પરિવર્તન માટે, રાષ્ટ્રના નવીકરણ માટે અને જાહેર સેવા માટે રાજકારણમાં પાછા ફરવા માટે નિર્ણાયક રીતે મતદાન કર્યું છે. અમારું કામ તાકીદનું છે – અને અમે તેને આજે જ શરૂ કરીએ છીએ. પરિવર્તન હવે અહિંથી શરૂ થાય છે. પણ તે સ્વીચ પાડવા જેટલું સરળ નહિં હોય. કારણ કે આ તમારી લોકશાહી, તમારો સમુદાય અને તમારું ભવિષ્ય છે. તમે મતદાન કર્યું છે. હવે અમારા માટે ડિલિવરી કરવાનો સમય આવી ગયો છે. હું પ્રમાણિકતા સાથે કહીશ કે આવો વિશાળ આદેશ મોટી જવાબદારી લઇને સાથે આવે છે. અમારું કાર્ય આ દેશને એક સાથે રાખતા વિચારોને રીન્યુ કરવા કરતાં જરા પણ ઓછું નથી. તમે જે પણ છો, તમે જીવનની શરૂઆત ગમે ત્યાંથી કરી હશે, પણ જો તમે સખત મહેનત કરો છો, જો તમે નિયમો મુજબ જીવો છો, તો આ દેશ તમને આગળ વધવાની યોગ્ય તક આપે જ છે. હંમેશા તમારા યોગદાનને માન અપાવું જોઈએ અને આપણે તેને પુનઃસ્થાપિત કરવું પડશે.’’

સ્ટાર્મરે કહ્યું હતું કે “જ્યારે લોકો દ્વારા કરવામાં આવેલા બલિદાન અને તેમને રાજકારણીઓ પાસેથી મળેલી સેવા વચ્ચેનું અંતર આટલું મોટું થાય છે, ત્યારે તે રાષ્ટ્રના હૃદયમાં થાક તરફ દોરી જાય છે, આશા, ભાવના અને વધુ સારા ભવિષ્યમાં વિશ્વાસ દૂર કરે છે. પરંતુ આપણે સાથે મળીને આગળ વધવાની જરૂર છે. વિશ્વાસનો અભાવ ફક્ત પગલા દ્વારા જ સાજો થઈ શકે છે, શબ્દોથી નહીં. મારી સરકાર દેશના દરેક વ્યક્તિ સાથે આદરપૂર્વક વર્તન કરશે.’’

તેમણે કહ્યું હતું કે “જો તમે ગઈકાલે લેબરને મત આપ્યો છે, તો અમે આપણા દેશનું પુનઃનિર્માણ કરવા માટે તમારા વિશ્વાસની જવાબદારીનું વહન કરીશું. તમે લેબરને વોટ આપ્યો નહિં હોય તો પણ મારી સરકાર તમારી સેવા કરશે. રાજકારણ સારા માટે બળ બની શકે છે અને અમે તે બતાવીશું. અમે લેબર પાર્ટીને બદલી છે, તેને સેવા કરવા પરત લાવ્યા છીએ, અને તે રીતે અમે શાસન કરીશું. દેશ પ્રથમ હશે પક્ષ બીજા સ્થાને હશે.”

થિંકટેંક બ્રિટિશ ફ્યુચર દ્વારા 2024ની સામાન્ય ચૂંટણીના પરિણામોના વિશ્લેષણ અનુસાર, યુકેની અત્યાર સુધીની સૌથી વૈવિધ્યસભર સંસદમાં આ વખતે કુલ 89 વંશીય લઘુમતીના સાંસદો વિક્રમરૂપ સંખ્યામાં ચૂંટાયા છે. જે ગત સંસદ કરતા 21 વધારે છે. આ ચૂંટણીમાં લગભગ 26 ભારતીય મૂળના સંસદ સભ્યો વિક્રમી સંખ્યામાં ચૂંટાઈ આવ્યા છે. જેમાં ઘણા કન્ઝર્વેટિવ્સ સાસંદો તેમના પક્ષ માટેના ઘાતકી પરિણામમાંથી બચી ગયા હતા.

ગાઝા યુધ્ધ બાબતે લેબર પાર્ટીના વલણને પગલે લેબરની લેન્ડસ્લાઇડ જીતને નુકસાન પહોંચ્યું હતું લેબરના ઓછામાં ઓછા 4 ઉમેદવારો પેલેસ્ટાઈન તરફી ઉમેદવારો સામે હારી ગયા હતા.

તો લેબરના ધમધમાટ દોડતા વિજય રથની નીચે 45 દિવસ માટેના ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસ સહિત વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીના ટોરી હેવીવેઇટ્સ ગ્રાન્ટ શૅપ્સ, પેની મોર્ડન્ટ અને જેકબ રીસ મોગ સહિત કેટલાક કેબિનેટ સાથીદારો હારી ગયા હતા.

દેશના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન સુનકે 23,059 મતો સાથે નોર્થ ઇંગ્લેન્ડમાં આવેલી પોતાની રિચમન્ડ અને નોર્થલર્ટન બેઠક પર આરામથી જીત મેળવી હતી. પરંતુ 14 વર્ષ સરકારમાં રહ્યા પછી કમનસીબે રાષ્ટ્રીય સ્તરની તેમની પાર્ટી આ વખતે નિષ્ફળ રહી હતી અને કન્ઝર્વેટિવ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં 250 સાંસદો ગુમાવીને ઇતિહાસની સૌથી ખરાબ ચૂંટણી હારનો સામનો કરવો પડ્યો હતો.

નિરાશ દેખાતા સુનકે સરકારમાં બીજી ટર્મ જીતવામાં તેમના પક્ષની હારને સ્વીકારવા માટે ભાષણનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું જેમની સાથે પત્ની અક્ષતા મૂર્તિ પણ જોડાયા હતા. સુનકે પોતાના પક્ષને આપવામાં આવેલા વિવેકપૂર્ણ ચુકાદાને સ્વીકારી હારની જવાબદારી લેતા કહ્યું કહ્યું હતું કે “લેબર પાર્ટીએ સામાન્ય ચૂંટણી જીત્યા બાદ મેં સર કેર સ્ટાર્મરને તેમની જીત પર અભિનંદન આપવા માટે ફોન કર્યો છે.’’ સુનકે આગળના અઠવાડિયાઓ, મહિનાઓ અને વર્ષો સુધી સેવા કરવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું અને ભાર મૂક્યો હતો કે વેસ્ટમિન્સ્ટર ખાતે સત્તાનું સ્થાનાંતરણ બધી બાજુએ સદ્ભાવના સાથે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થશે. તેમના વિદાય ભાષણમાં તેઓ લાગણીશીલ થઈ ગયા હતા અને તેમણે મતદાતાઓની તથા ટોરી સાથીદારોની માફી માંગી હતી જેમણે રાતોરાત તેમની બેઠકો ગુમાવી દીધી હતી. સુનકે સામાન્ય ચૂંટણીમાં હાર માટે જવાબદારી સ્વીકારી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે પદ છોડવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY