- એક્સક્લુસિવ
લેબર પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવીને શુક્રવાર તા. 5 જુલાઇ ના રોજ નં. 10માં પ્રવેશ કરી નવી સરકાર બનાવે તેવી પૂરે પૂરી અપેક્ષાઓ છે ત્યારે લેબર નેતા અને ભાવિ વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે બ્રિટનમાં વસતા સાઉથ એશિયન સમુદાયની સિદ્ધિઓની પ્રશંસા કરી લેબર સરકારના શાસનમાં તે સમૃદ્ધ બની ખીલી ઉઠે તે માટે પૂરતા પ્રયાસોની બાંહેધરી આપી હતી. નાના બિઝનેસીસ સાથે સંકળાયેલા અને પારિવારિક સાહસો ચલાવતા લોકોને લેબર પાર્ટીથી ડરવાની કોઈ જરૂર નથી. એશિયન બિઝનેસીસને લેબર પક્ષની નીતિના ઘડતર અને વૃદ્ધિની યોજનાઓના કેન્દ્રમાં રાખવાની અને સંપત્તિના સર્જક એવા એશિયન બિઝનેસીસની દેશને તાતી જરૂર છે એમ ગરવી ગુજરાતને આપેલ એક ખાસ મુલાકાતમાં સર કેર સ્ટાર્મરે કહ્યું હતું.
નોર્થ વેસ્ટ લંડનના કિંગ્સબરી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત વખતે આપેલ ખાસ મુલાકાતમાં સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘‘2022ના અંતમાં ગરવી ગુજરાત દ્વારા યોજાયેલ એશિયન બિઝનેસ લીડર્સ સાથેની મીટિંગે લેબર પાર્ટીને એશિયન બિઝનેસીસની વધુ નજીક લાવવામાં મદદ કરી હતી અને પક્ષની નીતિના ઘડતર અને વૃદ્ધિની યોજનાઓના કેન્દ્રમાં બિઝનેસને રાખવાની જરૂરિયાત અંગે અમે બધું જ કરીશું. સાઉથ એશિયાના બિઝનેસીસ અમારી નીતિ પર તેમના ફિંગરપ્રિન્ટ્સ મૂકી રહ્યા છે અને એશિયન ઉદ્યોગસાહસિકો પૈસા કમાય તેની સાથે મને કોઈ સમસ્યા નથી. કેમ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’વૃદ્ધિને વેગ આપવો જોઈએ અને બધા માટે વધુ સારા જીવનધોરણ માટે પ્રયત્ન કરવો જોઈએ. લેબરનો મેનિફેસ્ટો ખૂબ જ સ્પષ્ટ રીતે વૃદ્ધિ, બિઝનેસ અને સંપત્તિ સર્જન માટેની યોજના રજૂ કરે છે. અમે કહીએ છીએ કે અમારું કેન્દ્રીય મિશન સંપત્તિનું સર્જન છે અને સરકાર તે જાતે એકલા હાથે કરી શકશે નહીં. તે ફક્ત બિઝનેસીસ સાથે ભાગીદારીમાં જ કરી શકાય. વિવિધ લાભો સમગ્ર પ્રદેશમાં સમાનરૂપે વિતરિત કરવા જોઈએ.’’
ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇના પ્રકાશન ગૃપ એશિયન મીડિયા ગ્રુપ (AMG)ના વરિષ્ઠ મેનેજમેન્ટ સાથેની મુલાકાતમાં, સર કેરે એશિયન બિઝનેસીસ અને ઉદ્યોગસાહસિકોની સિદ્ધિઓ પર પ્રકાશ પાડી દલીલ કરી હતી કે લેબરના શાસન હેઠળ દેશના પુનર્જન્મ માટે સંપત્તિ સર્જન મહત્વપૂર્ણ છે. તેમણે સ્થાનિક વિકાસ યોજનાઓમાં સામેલ થવા માટે સ્થાનિક એશિયન બિઝનેસીસને આમંત્રિત કર્યા હતા. તેમણે ઈમિગ્રેશનના ફાયદાઓને સ્વીકારવા સાથે તેનું સ્તર હાલમાં ખૂબ ઊંચું હોવાની દલીલ કરી સમાનતા, વિવિધતા અને સમાવેશને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સાઉથ એશિયન મૂળના લગભગ 20 સાંસદોને નવી સંસદમાં સાથ આપે તેવી અપેક્ષા છે. તેમણે પુષ્ટિ કરી હતી મને ખાનગી શાળાઓ સામે કંઈ વાંધો નથી અને ઘણા માતા-પિતાએ બલિદાન આપ્યા છે પણ શિક્ષણ ક્ષેત્ર રોકાણના અભાવથી પીડાઈ રહ્યું છે.
તેમણે રાજનીતિમાં જાહેર સેવાના વિચારને પુનર્જીવિત કરવા માંગે છે તેમ કહી દેશને પક્ષ અથવા વ્યક્તિગત હિતોની ઉપર મૂકવાની તથા સમુદાયોમાં વિશ્વાસના મહત્વ વિશે અને બ્રિટનને રહેવા અને કામ કરવા માટે વધુ સારું સ્થાન બનાવવામાં તેઓ શું ભૂમિકા ભજવી શકે છે તે વિશે વાત કરી હતી. તો પોતાના શાકાહારી (માછલી ખાય છે) ભારતીય ભોજન તરફના પ્રેમ અને તંદૂરી સામન પરત્વને પ્રેમ વિષે વાતો કરી હતી.
સર કેરે જણાવ્યું હતું કે “ખૂબ ઓછા બિઝનેસીસ સેટ કરે છે અને પૈસા કમાય છે. તે સામાન્ય રીતે એક નવીન વિચાર છે. થોડા જોખમો અને અસલામતી હોય છે. પણ હું સંપૂર્ણ રીતે ઇચ્છું છું કે સાઉથ એશિયાના બિઝનેસીસ ખીલે અને સમૃદ્ધ થાય. હું જાણું છું કે એશિયન બિઝનેસ સેક્ટર યુકે માટે કેટલું મહત્વનું છે. નાના બિઝનેસીસ સાથે સંકળાયેલા અને પારિવારિક સાહસો ચલાવતા ઘણા લોકોને લેબર પાર્ટીથી ડરવાની કોઈ જરૂર નથી. સાઉથ એશિયન સમુદાય ખરેખર બિઝનેસમાં સારો છે. જ્યારે કોઈ બિઝનેસ શરૂ કરો છો, ત્યારે તમે તમારા સંપૂર્ણ આત્માને તેમાં લગાવો છો, તમારા પોતાના પૈસાનું રોકાણ કરો છો, તેમાં પોતાની જાતને મૂકે છે, તેઓ ઘણું જોખમ લે છે તેથી તેમને સમર્થનની પણ જરૂર છે.”
તેમણે કહ્યું હતું કે ‘’બે વર્ષ પહેલા ગરવી ગુજરાત દ્વારા યોજાયેલ એશિયન બિઝનેસ લીડર્સ સાથેની બ્રેકફાસ્ટ મીટિંગે મારા પર ઊંડી છાપ છોડી હતી. ત્યાં કેટલાક ખૂબ નાના, કેટલાક મધ્યમ કદના અને કેટલાક ખરેખર મોટા બિઝનેસીસ હતા. તે ખૂબ જ માહિતીપ્રદ બેઠક હતી. તેણે મને સીધા જ રૂબરૂ ચિંતાઓ, વિચારો અને દરખાસ્તો સાંભળવાની તક આપી હતી. તેમાંથી કેટલાકને અમારી યોજનાના સંદર્ભમાં અપડેટ કરવામાં અમે સક્ષમ થયા હતા. બિઝનેસ રેટ્સ હંમેશા ચિંતાનું કારણ બને છે, ખાસ કરીને જે બ્રિક્સ અને મોર્ટાર દ્વારા કામ કરે છે, કારણ કે તમે કોઈ નફો કરો તે પહેલાં તે ડાઉનપેમેન્ટ છે. અમે અમારા મેનિફેસ્ટોમાં દરખાસ્તો મૂકી છે, પરંતુ ઢંઢેરો ખૂબ જ સ્પષ્ટ રીતે વૃદ્ધિ માટેની યોજનાનો છે. જે રીતે સમુદાયો તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે કાર્ય કરે છે તે સંભવિત “ગેમ-ચેન્જર” હશે. હું વિસ્તારો અને સમુદાયો માટેની સ્થાનિક યોજનાઓ જોવા માંગું છું જેમાં વિવિધ સંગઠનો એક જ હેતુ માટે – સ્થાનિક સમુદાયોના ઉત્થાન અને સમર્થન માટે એક સાથે આવે છે.’’
સર કેરે કહ્યું હતું કે ‘’ઇમિગ્રેશન ઝેરી બની ગયું છે. તેને શરૂઆતથી જ નકારાત્મક રીતે વર્ણવવામાં આવે છે, જાતિવાદના સ્વરૂપમાં તે ઘણીવાર સૂક્ષ્મ અને અસ્પષ્ટ હોય છે. આ દેશમાં આવનારા લોકોએ ઘણા વર્ષોથી આપેલા યોગદાનને અમે મૂલ્યવાન ગણીએ છીએ. પરંતુ ઇમિગ્રેશનના આંકડા ખૂબ ઊંચા છે અને ભવિષ્યની કોઈપણ સરકારે પગલાં લેવા પડશે. આ ક્ષણે સંખ્યા ખૂબ ઊંચી છે અને તેને નીચે લાવવાની જરૂર છે. કારણ કે આપણી પાસે સ્કીલ સ્ટ્રેટેજી નથી અને આ દેશમાં કુશળતાની નિષ્ફળતા છે. માકો પક્ષ ઇમિગ્રન્ટ સંખ્યા પર કોઈ મર્યાદા મૂકશે નહીં. અમે સાઉથ એશિયન બિઝનેસીસ સાથે કામ કરીશું કારણ કે ઇમિગ્રેશન પરના પ્રતિબંધના કારણે બિઝનેસીસ નષ્ટ થાય તે અર્થતંત્ર માટે સારું રહેશે નહીં.”
કન્ઝર્વેટિવ સરકાર દેશના કૌશલ્યના તફાવતને સંબોધવામાં નિષ્ફળ રહી હતી તેવી દલીલ કરતા સ્ટાર્મરે કહ્યું હતું કે “અમે બિઝનેસીસને અમારી સાથે સ્કીલ ડેવલપ કરવા આમંત્રિત કરનાર છીએ જેથી જરૂરી કૌશલ્યો મળે અને અમે વિદેશથી આવતા લોકોની સંખ્યા ઓછી કરી શકીએ.”
જઇ રહેલી સરકારના વૈવિધ્યથી વિપરીત લેબર પાર્ટીમાં ડેવિડ લેમી સિવાય કોઇ વસાહતી મિનિસ્ટરની અપેક્ષા નથી તેવી ચિંતાઓનો જવાબ આપતા સ્ટાર્મરે કહ્યું હતું કે “ત્યાં વધુ કામ કરવાનું છે અને અમારે ચોક્કસપણે તે પડકારનો સામનો કરવો પડશે.”
ફરીથી સાઉથ એશિયન વારસાના વડા પ્રધાન બાબતે સર કેરે કહ્યું હતું કે “હું આશા રાખું છું… સારું, મને લાગે છે કે હું મારી મુદત પહેલા પૂર્ણ કરીશ. અમારી પાસે જે પ્રતિનિધિત્વ છે તેના પર અમને ખરેખર ગર્વ છે અને જો અમે ચૂંટણી જીતીશું અને વધુ વૈવિધ્યસભર ટીમ ધરાવીશું તો મને વધુ ગર્વ થશે. આ ચૂંટણીમાં સાઉથ એશિયન વારસાના 28 લેબર ઉમેદવારો લડી રહ્યા છે અને 21 “મુખ્ય બેઠકો” પર લડે છે. મને લાગે છે કે લેબર પાર્ટી અને સાઉથ એશિયન સમુદાય વચ્ચેનો સંબંધ વાસ્તવમાં વર્ષોથી ખૂબ જ મજબૂત રહ્યો છે, અને હું તેના પર નિર્માણ કરવા માંગુ છું.”
ખાનગી શાળાઓનો ચેરિટેબલ દરજ્જો દૂર કરવાની અને ખાનગી શાળાની ફી પર 20 ટકાના વેરાની યોજના વિષે સર સ્ટાર્મરે કહ્યું હતું કે “આપણી સ્ટેટ સેકન્ડરી સ્કૂલોમાં ગણિત જેવા મુખ્ય વિષયોના મૂળભૂત શિક્ષકો નથી. મુખ્ય વિષયો માટેની જગ્યાઓ હજારોની સંખ્યામાં ખાલી છે. અમારે 6,500 શિક્ષકોની ભરતી કરવાની છે. જ્યાં સ્ટેટ સેકન્ડરી શાળાઓમાં ભણનારાઓને લાયક શિક્ષણ ન મળે એવા દેશને હું સહન કરીશ નહીં. તે માટેનો એકમાત્ર રસ્તો ખાનગી શાળાઓ માટેનો ટેક્સ બ્રેક્સ દૂર કરવાનો છે. જો કે એક વર્ષ કે તેથી વધુ સમય પછી, નવી સરકાર બને ત્યાં સુધી નીતિ અમલમાં આવે તેવી શક્યતા નથી.’’
સર કેરે કહ્યું હતું કે ‘’હું અન્ય લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો છું અને તે તમામ રાજકારણીઓ માટે પાયો હોવો જોઈએ. જો અમે ચૂંટણી જીતીશું, તો અમારે રાજકારણમાં પાછા ફરવાનું છે.’’
કિંગ્સબરી મંદિરનો ઉલ્લેખ થતાં સર કેરે કહ્યું હતું કે “મને લાગે છે કે આપણા સમગ્ર દેશમાં વિશ્વાસ (ધર્મ) અતિ મહત્વનો છે. મને લાગે છે કે તે લોકોને ઊંડાણ, સમર્થન, મૂલ્યોની સમજ આપે છે અને એન્કર તરીકે કામ કરે છે. જ્યારે સમય મુશ્કેલ હોય અથવા બાબતો અનિશ્ચિત હોય ત્યારે એન્કર મહત્વપૂર્ણ બને છે. છેલ્લી વખત જ્યારે હું આ મંદિરની મુલાકાતે ગયો હતો ત્યારે તેમણે 40,000 લોકોને ઇનોક્યુલેટ કર્યા હતા તો હજ્જારો ફૂડ પાર્સલ આપ્યા હતા. આમ ધર્મ નિર્ણાયક ભાગ ભજવે છે, તે મૂલ્યોનો સમૂહ છે, તે ખરેખર મહત્વપૂર્ણ છે અને તે લોકોને શક્તિ પ્રદાન કરે છે.”
આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કલ્યાણ માટેના વિશ્વવ્યાપી કેન્દ્ર મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની સ્થાપના શ્રી સ્વામિનારાયણ ગાદીના સ્થાપક આચાર્ય જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા દ્વારા કરવામાં આવી હતી.