ઓક્સફોર્ડશાયરમાં આવેલા બ્લેનહેમ પેલેસમાં યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટીના નેતાઓ સાથેની એક બેઠકમાં વડા પ્રધાન કેર સ્ટાર્મરે લેબર સરકારના યુરોપ સાથેના બ્રેક્ઝિટ પછીના સંબંધો માટે એક નવી દિશા નિર્ધારિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને 27-સભ્યોના ઇકોનોમિક બ્લોક સાથે “રીસેટ” શરૂ કરવા માટે નેતાઓને આવકાર્યા હતા.
ગેરકાયદેસર સ્થળાંતર અને રશિયા-યુક્રેન સંઘર્ષ જેવી અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટીની નીતિઓથી નવી સરકારને દૂર રાખીને, સ્ટાર્મરે પુનરોચ્ચાર કર્યો હતો કે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને રવાન્ડામાં દેશનિકાલ કરવાની યોજનાને “કાઢી નાખવામાં આવી” છે અને યુકે માનવ અધિકાર પરના યુરોપિયન કન્વેન્શનમાંથી ક્યારેય પાછુ હટશે નહિં.
સ્ટાર્મરે કહ્યું હતું કે “અમે હાલના સંબંધોને મજબૂત કરવા સાથે નવા સંબંધો બનાવીશું. આમાં EU સાથેના અમારા સંબંધોને ફરીથી સેટ કરવાનો સમાવેશ થાય છે… અને આ સમિટ ગેરકાયદે સ્થળાંતર પર નવો માર્ગ નક્કી કરવાની તક છે; સીમા સુરક્ષા અને કાયદાના અમલીકરણ પર અમે સાથે મળીને કામ કરીશું.”
તે પછી સ્ટાર્મર EPC ના માઇગ્રેશન વર્કીંગ ગૃપ સાથે જોડાયા હતા. જેમાં ઇટાલી, અલ્બેનિયા, જર્મની, માલ્ટા, ડેનમાર્ક, હંગેરી, નેધરલેન્ડ અને સ્લોવાકિયાના નેતાઓનો સમાવેશ થાય છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે સરકાર દેશની સરહદો પર નિયંત્રણ મેળવવા માટે માઇગ્રેશન એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ પાર્ટનરશીપના 100થી વધુ હોમ ઓફિસ સ્ટાફને નવા રેપીડ રીટર્ન યુનિટમાં ફરીથી ગોઠવી રહી છે.
આનો અર્થ એવો થશે કે ભારત જેવા “સુરક્ષિત” દેશોના લોકોની એસાયલમ અરજીઓ પર ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે અને ગેરકાયદેસર આવનારા લોકોને તેમના મૂળ દેશમાં પરત કરવામાં આવશે.