રાજકુમાર વિલીયમની પત્ની કેટ મિડલટને છેલ્લા એક વર્ષથી જ્યાં તેમની કેન્સર સારવાર ચાલતી હતી તે લંડનની રોયલ માર્સડેન હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને નેશનલ હેલ્થ સર્વિસ (NHS) સ્ટાફનો આભાર માન્યો હતો.
કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’43 વર્ષીય પ્રિન્સેસ ઓફ વેલ્સ કેથરિને તેમની કીમોથેરાપી સારવાર કરનાર ટીમ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા અને નિષ્ણાત હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશ્વ કક્ષાની સંભાળ અને સારવારને પણ ઉજાગર કરવા માંગતા હતા.”
કેટ હોસ્પિટલની મુલાકાત દરમિયાન હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ હોસ્પિટલમાં વિવિધ સેવાઓ આપતા સ્ટાફને મળ્યા હતા. કેટ અને પ્રિન્સ વિલિયમને રોયલ માર્સડેન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના જોઇન્ટ પેટ્રન બન્યા છે.
કેટે જાહેર કર્યું હતું કે પેટની સર્જરી પછીની તપાસમાં કેન્સર હોવાનું સૂચવાયા બાદ તેણીએ કીમોથેરાપી સારવાર પૂર્ણ કરી હતી. ગયા ગુરુવારે તેમના 43મા જન્મદિવસની ઉજવણી કરાઇ હતી જે વખતે તેમના પતિ ડ્યુક વિલીયમે તેણીને “સૌથી અદ્ભુત પત્ની અને માતા” તરીકે ઓળખાવી હતી.
૧૮૫૧માં લંડનમાં રોયલ માર્સડેન હોસ્પિટલનો શુભારંભ થયો હતો જે કેન્સર નિદાન, સારવાર, સંશોધન અને શિક્ષણ માટે સમર્પિત વિશ્વની પ્રથમ હોસ્પિટલ હતી. રોયલ માર્સડેન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટને હવે ચેલ્સી, કેવેન્ડિશ સ્ક્વેર અને સટન ખાતે કાર્યરત વિશ્વ-અગ્રણી કેન્સર સેન્ટર તરીકે જોવામાં આવે છે.