કેન્સિંગ્ટન પેલેસ દ્વારા જાહેર કરાયેલા અત્યંત અંગત વિડિયોમાં પ્રિન્સેસ ઓફ વેલ્સ કેથરિને પોતાની કીમોથેરાપીની સારવાર પૂર્ણ કરી હોવાની જાહેરાત કરી કહ્યું હતું કે સાજા થવામાં હજુ ઘણો લાંબો રસ્તો બાકી છે.
ભાવનાત્મક વિડિયો સંદેશમાં કેટે કહ્યું હતું કે ‘’આ વર્ષ અતુલ્ય અઘરું રહ્યું છે અને તમે જાણો છો કે જીવન એક ક્ષણમાં બદલાઈ શકે છે. જેમ જેમ ઉનાળો પૂરો થાય છે, તેમ તેમ હું તમને કહી શકતી નથી કે આખરે મારી કીમોથેરાપી ટ્રીટમેન્ટ પૂર્ણ કરતા કેટલી રાહત અનુભવું છું. હીલિંગ અને સંપૂર્ણ રીકવરી માટેનો મારો માર્ગ લાંબો છે. મુશ્કેલ સમય હોવા છતાં આ અનુભવે મને આશા અને જીવનની પ્રશંસાની નવી ભાવના આપી છે.”
કેથરિનનો આ વીડિયોનું ગયા મહિને નોર્ફોકમાં ફિલ્માંકન કરાયું હતું.
કેથરીનની સ્વાસ્થ્ય સમસ્યાઓ જાન્યુઆરીમાં શરૂ થઈ હતી અને પેટની સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ માર્ચમાં કેન્સરનું નિદાન જાહેર કરાયું હતું. માર્ચમાં ખુલાસો કર્યો હતો કે તેણી કેન્સરની સારવાર કરાવી રહી છે. તેઓ આ વર્ષે કેટલાક એંગેજમેન્ટમાં ભાગ લેશે અને નવેમ્બરમાં રિમેમ્બરન્સ ઈવેન્ટ્સ અને તેના વાર્ષિક ક્રિસમસ કેરોલ કોન્સર્ટનો સમાવેશ થઈ શકે છે.
કેન્સિંગ્ટન પેલેસે સૂચવ્યું છે કે તે કેન્સર મુક્ત છે કે કેમ તે કહેવું આ તબક્કે શક્ય નથી. સંપૂર્ણ રીતે પરત થવા માટે હજુ લાંબો રસ્તો બાકી છે અને રાજકુમારી આગામી થોડા મહિનાઓ માટે તેના સ્વાસ્થ્ય પર મુખ્ય ધ્યાન આપશે.