કર્ણાટક સરકારની જીએસટી ઓથોરિટીએ જાણીતી આઇટી કંપની- ઇન્ફોસિસને આપેલી રૂ. 32,400 કરોડની જીએસટી ડિમાન્ડ નોટિસ પરત લીધી છે. કંપનીને ડીજીજીઆઇ કેન્દ્રીય ઓથોરિટીને નવેસરથી જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. ઇન્ફોસિસને અપાયેલી જીએસટી ડિમાન્ડ નોટિસને કારણે વ્યાપક ચર્ચા થઈ હતી. હવે કંપની ડીજીજીઆઇને તેનો પક્ષ રજૂ કરશે. ડીજીજીઆઇ જીએસટી, સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સના કેસમાં સર્વોચ્ચ તપાસ એજન્સી છે. તે જીએસટી, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી અને સર્વિસ ટેક્સના નિયમોના ઉલ્લંઘન સંબંધી બાબતોની ચકાસણી કરે છે. પરોક્ષ વેરાના કાયદામાં નિયમોના પાલનમાં સુધારો કરવાની જવાબદારી પણ તેની છે.
ઇન્ફોસિસે આ અંગે બીએસઇને જણાવ્યું હતું કે, “કંપનીને કર્ણાટક ઓથોરિટી તરફથી પ્રી-શોકોઝ નોટિસ પાછી ખેંચી હોવાનું કહેવામાં આવ્યું છે.” ઉલ્લેખનીય છે કે, ઇન્ફોસિસને અગાઉ જીએસટીએ રૂ. 32, 403 કરોડની નોટિસ આપી હતી. જેમાં કંપનીની વિદેશી શાખાઓએ 2017થી પાંચ વર્ષ સુધી મેળવેલી સેવાઓ માટે જીએસટી ચૂકવવા જણાવ્યું હતું. જોકે, કંપનીએ કહ્યું હતું કે, ઓથોરિટી દ્વારા દર્શાવાયેલા ખર્ચ પર જીએસટી લાગુ પડતો નથી.