ટીવી સ્ટાર-કોમેડીયન કપિલ શર્માએ 2015માં ‘કિસ કિસ કો પ્યાર કરું’ ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. હવે તેના 10 વર્ષ પછી કપિલ શર્માએ આ ફિલ્મની સીક્વલની જાહેરાત કરી છે. તાજેતરમાં કપિલે પોતાની ફિલ્મની સીક્વલનો પ્રથમ લૂક જાહેર કરીને ચાહકોને ચોંકાવ્યા હતા. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર ‘કિસ કિસ કો પ્યાર કરું 2’નું પોસ્ટર શેર કર્યું છે. જેમાં કપિલ એક દુલ્હાના રૂપમાં દેખાય છે, તેણે શેરવાની પહેરી છે અને માથે સહેરો પહેરેલો છે. તેના ચહેરા પર આશ્ચર્ય અને આઘાતના ભાવ દેખાય છે. તેની સાથે એક દુલ્હન પણ છે, જેનો ચહેરો ઘુંઘટમાં છુપાયેલો છે. તે પણ માથે સહેરો બાંધીને બ્લૂ સાડીમાં કપિલની બાજુમાં ઉભેલી દેખાય છે. તે બંનેના હાથ એકબીજાને વીંટળાયેલાં છે. આ પોસ્ટરના બૅકગ્રાઉન્ડમાં શરણાઈનો અવાજ સંભળાય છે. આ પોસ્ટર જોઇને ઘણા લોકોએ ખુશી વ્યકત કરી હતી અને ફિલ્મ માટેની પોતાની આતુરતા પણ વ્યક્ત કરી હતી. ગત વર્ષથી આ ફિલ્મની સિક્વલ આવવાની હોવાની ચર્ચા હતી. એ વખતે આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, “કિસ કિસ કો પ્યાર કરું પછી કપિલ શર્માએ વિવિધ જોનરની ફિલ્મમાં ઘણા પ્રયોગો કર્યા હવે તે ફરી એક પ્યોર કોમેડી ફિલ્મ સાથે આવી રહ્યો છે.” ફિલ્મમાં કપિલ સાથે મનોજ સિંઘ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મની કહાની અનુપ ગોસ્વામીએ લખી છે. આ પહેલાં કપિલ શર્માએ કરીના કપૂર, તબ્બુ અને ક્રિતિ સેનન સાથે ક્રૂ ફિલ્મમાં જોવા મળ્યો હતો.
